લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026 |
2574
મુંબઇ સહિત સમગ્ર દેશનાં હીરા ઝવેરાત ઉદ્યોગ ઉપર અમેરિકાએ લાદેલા ટેરિફ કરતા પણ પ્રતિકૂળ અસરો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઇરાન-અમેરિકા વચ્ચેનાં યુદ્ધની પડી રહી છે. હિસાબી વર્ષ ૨૦૨૬-૨૭નાં પહેલા જ મહિના, એપ્રિલમાં ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ રિયલ અને લેબગ્રોન બંનેમાં અનુક્રમે ૧૯.૬૫ ટકા અને ૧૫.૫૩ ટકા તેમજ પ્લેન ગોલ્ડ જ્વેલરીમાં ૪૭ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. જાણકારોનું કહેવું છે કે દુબઇમાં યુદ્ધની અત્યંત ઘેરી અસર છે અને તેને કારણે દુબઇમાં ટુરિસ્ટની સંખ્યા પણ અતિશય ઘટી ગઇ છે અને હીરા ઝવેરાતનું કેન્દ્ર ગણાતા દુબઇમાં કારોબાર ઘટી જતા સુરત, મુંબઇથી દુબઇમાં થતી નિકાસ પણ તળિયે બેસી જવા પામી છે.
જીજેઇપીસીનાં સત્તાવાર આંકડા તપાસીએ તો જાણવા મળે છે કે ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઇરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેનાં યુદ્ધને કારણે ભારતની હીરા ઝવેરાતની નિકાસ રૂંધાઇ જવા પામી છે. અમેરિકાએ ટેરિફ અંગે હજુ સુધી કોઇ સ્થિતિ સ્પષ્ટ કરી નથી પરિણામે સુરત અને મુંબઇનાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ તેમજ ડાયમંડ સ્ટડેડ જ્વેલરીનો મોટાભાગનો સપ્લાય યુએઇ એટલે કે દુબઇ, અબુધાબી, શારજાહ થઇને યુરોપનાં દેશોમાં ઠલવાતો હતો. પરંતુ, યુદ્ધને કારણે આ સપ્લાય ચેઇન તૂટી ગઇ છે અને તેની સીધી અસર ભારતની નિકાસ પર પડી છે. જાણકારોનું કહેવું છે કે હીરા ઝવેરાત ઉદ્યોગ પર આ ઉપરાંત વૈશ્વિક સ્તરે સોનાનાં ભાવોમાં થઇ રહેલી અસામાન્ય વધઘટને કારણે પણ વિકસિત દેશોનાં લોકો હાલ તુરત ખરીદીથી અળગા રહેવાનું પસંદ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં કોઇ મોટા ગ્લોબલ ફેસ્ટિવલ્સ પણ નથી આવી રહ્યાં, ઉલ્ટાનું ભારતમાં એક મહિના પછી મોનસુન સિઝન શરૂ થશે, પરિણામે નિકાસ હજુ વધુ અસરગ્રસ્ત બને તેવી શક્યતાઓ જાેવાઇ રહી છે. ગયા વર્ષનાં આરંભે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ અને ૨૫ પેનલ્ટી મળીને ૫૦ ટકા જેટલો ટેરિફ લાદ્યો હતો. એ સમયે પણ નિકાસને કોઈ ખાસ અસર થઈ ન હતી પરંતુ આ વખતે યુદ્ધની ઘેરી અસર જાેવા મળી છે.
રફ ડાયમંડની આયાતમાં પણ ૨૯ ટકાનો ધરખમ ઘટાડો
રફ ડાયમંડ્સની આયાતમાં પણ એપ્રિલ-૨૦૨૬ મહિનામાં ૨૯.૩૬ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. એપ્રિલ ૨૦૨૫ મહિનામાં કુલ ૧૦,૨૬૫.૧૯ કરોડ રૂપિયાનાં રફ ડાયમંડ્સ ભારતમાં ઠલવાયા હતા. જેની સામે એપ્રિલ ૨૦૨૬ મહિના દરમિયાન કુલ રૂ.૭૯૦૮.૭૨ કરોડ રૂપિયાના જ રફ ડાયમંડ્સની આયાત થઇ છે. કેરેટની વાત કરીએ તો એપ્રિલ ૨૦૨૫માં ૧૦૫.૩૯ લાખ કેરેટ રફ ડાયમંડ્સની આયાત થઇ હતી, જે ઘટીને એપ્રિલ ૨૦૨૬માં ૯૦.૫૦ લાખ કેરેટ જ થઇ શકી છે. સુરતનાં હીરા બજારનાં સૂત્રોનું કહેવું છે કે મિડલઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ થાળે પડે નહીં ત્યાં સુધી હીરા ઝવેરાતની નિકાસ તેમજ સપ્લાય ચેઇન આ રીતે જ ચાલશે, હીરા ઉદ્યોગકારો અને નિકાસકારોએ આ પ્રકારનાં કપરા સમય માટે તૈયાર રહેવું પડશે.