યુદ્ધને કારણે સુરતમાં કાપડ ઉત્પાદન ૫૦ ટકા ઘટીને દૈનિક ૩ કરોડ મીટર થઇ ગયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   સુરત   |   2871

પશ્ચિમ એશિયામાં ઇરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ૨૬માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે, યુદ્ધની સૌથી ઘેરી અસર સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પર પડી છે. પેટ્રોલિયમ પેદાશમાંથી બનતા કેમિકલ્સ કેમિકલ્સમાંથી તૈયાર થતાં યાર્ન પર આધારિત સુરતનાં મેન મેઇડ ફાઇબર બેઝ ઉદ્યોગમાં છેલ્લા ૨૫ દિવસ દરમિયાન કાપડનું ઉત્પાદન તબક્કાવાર ઘટીને આજે અડધું થઇ ગયું છે. સામાન્ય સંજાેગોમાં સુરતમાં કાપડ ઉત્પાદનની ક્ષમતા દૈનિક ૬ કરોડ મીટરની છે, પણ યુદ્ધને પગલે રો-મટીરિયલમાં થયેલા ભાવ વધારાને કારણે સુરતનું કાપડ ઉત્પાદન ઘટીને ફક્ત ૩ કરોડ મીટર થઇ ગયું છે. સૌથી ઘેરી અસર વણાટ (વીવીંગ) ઉદ્યોગ પર પડી છે. વીવિંગ ઉદ્યોગકારો યાર્નમાંથી કાપડ બનાવી રહ્યા છે. ગ્રે હોય કે ફિનિશ્ડ કાપડમાં ઘરાકીના અભાવે વણાટ ઉદ્યોગના કારખાનેદારોએ ઓર્ડર મુજબ ગ્રે કાપડ કે ફિનિશ્ડ ફેબ્રિકનું ઉત્પાદન શરુ કર્યું છે. અગાઉ કારખાનેદારો એડવાન્સમાં કપડું બનાવીને ગોડાઉનમાં સ્ટોર કરી રાખતા હતા પરંતુ, હવે ઘરાકી જ નથી અને યાર્નના ભાવો ૩૫ ટકા સુધી વધી ગયા હોઇ, ખપ પૂરતું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને કારણે સુરતમાં કાપડ ઉત્પાદન ઘટીને અડધું થઇ ગયું છે.

સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં અઘોષિત વેકેશન ચાલી રહ્યું હોવાનું જણાવતા કેદારનાથ શર્મા કહે છે કે ટેક્સ્ટાઈલ માર્કેટોનાં માહોલ પરથી સામાન્ય વ્યક્તિ કહી શકે કે બજારમાં ઘરાકી નથી. માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે અને તેમાં ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીથી પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિએ સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં દાટ વાળી દીધો છે. બહારગામની મંડીઓમાંથી ન તો સાડીના ઓર્ડર મળી રહ્યા છે ન તો ડ્રેસ મટીરિયલની કોઇ ડીમાન્ડ છે. હિસાબી વર્ષ છ દિવસ પછી પૂર્ણ થવાનું છે એટલે તા.૧લી એપ્રિલ સુધી તો આમેય ઇન્કમટેક્સની કલમ ૪૩ બી (એચ)ને કારણે બજારમાં આમેય ઘરાકી નથી પણ યુદ્ધની સ્થિતિએ કાપડના ઉત્પાદનને પણ તળીયે પહોંચાડી દીધું છે.

વીવિંગ ઉદ્યોગનાં આગેવાન મિતલ પટેલ કહે છે કે તેમની ફેક્ટરીમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં ત્રણ ત્રણ દિવસ ઉત્પાદન થતું નથી. ગ્રે કાપડની ડિમાંડ નથી અને એડવાન્સમાં કાપડ બનાવીને સ્ટોર કરવું મુનાસિબ નથી કેમકે હાલમાં જે રીતે યાર્નના ભાવ વધ્યા છે એ જાેતા કાપડનું કોસ્ટીંગ ૩૫ ટકા ઉંચુ જાય તેમ છે અને એટલા ઉંચા ભાવે ના તો ટ્રેડર્સ ખરીદશે ના તો રીટેલ કસ્ટમર ઉંચા ભાવનું ફેબ્રિક ખરીદવાનું પસંદ કરશે. આમ ઉત્પાદન સાવ અડધું થઇ જવા પામ્યુ છે.

ફોગવા પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાનું કહેવું છે કે યુદ્ધને કારણે ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં તમામ સ્ટેક હોલ્ડર્સને વ્યાપક અસર પહોંચી છે પરંતુ, વીવીંગ કારખાનેદારોને સૌથી માઠી અસર પહોંચી છે અને હાલમાં કારખાનેદારોની સ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી થઇ છે. અશોક જીરાવાલાએ કહ્યું કે હાલમાં ફોગવા દ્વારા માર્કેટ સરવે કરવાઇ રહ્યો છે. ફોગવાના મેમ્બરો, કારખાનેદારો ટેલિફોનિક વાતચીતમાં જણાવી રહ્યા છે કે કારખાનામાં ઉત્પાદન પહેલા કરતા સાવ અડધું થઇ ગયું છે કેમકે બજારમાં ઘરાકી જ નથી. અશોક જીરાવાલાએ કહ્યું કે અત્યાર સુધી કારખાનેદારને જેટલા પણ ફીડબેક મળ્યાં એમાં ૮૦ ટકા કારખાનેદારો એવું ઇચ્છી રહ્યાં છે કે ઉત્પાદન કાપ મૂકવામાં આવે.

એવી જ રીતે સુરતથી સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સના પાર્સલ દેશભરમાં જુદા જુદા રાજ્યોની કપડા મંડીઓ સુધી પહોંચાડી રહેલા ટ્રાન્સપોર્ટર્સનું પણ કહેવું છે કે સામાન સંજાેગોમાં સુરતમાંથી દૈનિક ૨૨૦ જેટલી ટ્રકો ભરીને માલ રવાના કરવામાં આવતો હતો. છેલ્લા વીસેક દિવસથી માલ રવાનગી ઘટી ગઇ છે અને હવે માંડ દૈનિક ૧૦૦ ટ્રક જેટલો માલ રવાના થઇ રહ્યો છે. સુરતથી બહારગામ જેટલી ટ્રકો મોકલવામાં આવી રહી છે તેમાં પણ પાર્સલ ફુલ્લી લોડેડ હોતા નથી.

ટેક્સ્ટાઈલ ઉદ્યોગના ઉપરોક્ત તમામ સ્ટેક હોલ્ડર્સ આગેવાનોની વાતનો સાર એ જ નીકળી રહ્યો છે કે માર્ચ એન્ડિંગ, ઇન્કમટેક્સની કલમ ૪૩ બી (એચ), પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે રો-મટીરિયલમાં થયેલો ભાવ વધારો બધું એક સમયગાળામાં આવી જતા સુરતમાં કાપડ ઉત્પાદન માર્ચ ૨૦૨૬ મહિનામાં ઘટીને સાવ અડધું થઇ ગયું છે. સુરત દૈનિક ૬ કરોડ મીટર કાપડ ઉત્પાદન કરી રહ્યું હતું, જે હાલમાં ૩ કરોડ દૈનિક ઉત્પાદન પર પહોંચી ગયું છે જાે યુદ્ધ લાંબુ ચાલશે તો સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગને ઘેરી અસર થશે એ અત્યારથી વર્તાવા માંડ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution