દાઉદના ખાસ સલીમ ડોલા પર ઈડીનો કસાતો સકંજાે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026  |   1881


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ ઝોનલ ઓફિસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાના નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. ટીમે મુંબઈ તેમજ ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત ૨૦ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ ઓપરેશન મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના કેસ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યવાહી સલીમ ઈસ્માઈલ ડોલા અને તેના સાથીદારો દ્વારા ચલાવવામાં આવતા એવા ડ્રગ સિન્ડિકેટ સામે છે, જેનું નેટવર્ક કેટલાય દેશોમાં ફેલાયેલું છે અને તે હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ કારોબાર સાથે જાેડાયેલું છે. ભારત સરકાર તાજેતરમાં જ સલીમ ડોલાને તુર્કિયેથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવી હતી. તપાસ એજન્સીઓ મુજબ, તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત માદક પદાર્થોનું નેટવર્ક ચલાવીને મોટા પાયે ગેરકાયદે કમાણી કરતો હતો. ઈડીની આ તપાસ ડ્રગ્સ બનાવવા માટે વપરાતા પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયર્સ, કેમિકલ બિઝનેસના વચેટિયાઓ, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોનના ઉત્પાદકો અને વિતરકો પર કેન્દ્રિત છે. આ સિવાય હવાલા ઓપરેટરો અને બેનામી મિલકતોના માલિકોને પણ તપાસના દાયરામાં લેવાયા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ હેઠળ શરૂ કરાયેલી આ તપાસ મુંબઈમાં સલીમ ડોલા અને અન્ય આરોપીઓ સામે નોંધાયેલી અસંખ્ય આધારે શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પુરાવા મળ્યા છે કે, આ સંગઠિત ગુનાહિત નેટવર્ક કેમિકલની ખરીદી, ગુપ્ત રીતે મેફેડ્રોનનું ઉત્પાદન, રાજ્યો વચ્ચે ડ્રગ્સની સપ્લાય અને વિદેશમાં તસ્કરી જેવી પ્રવૃત્તિઓ કરતું હતું. ગુના દ્વારા મેળવેલા આ નાણાંને હવાલા ચેનલ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution