લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026 |
2178
સુરત શહેરનાં લસકાણા વિસ્તારમાં હૃદયવિદારક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નાની બહેનનાં એડમિશન માટે ગયેલી બીબીએની વિર્દ્યાથિનીનું એસટી બસ અડફટે મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વતની અને હાલ સુરત નજીક વેલંજા સ્થિત શેખપુર ગામની હરિદર્શન સોસાયટીમાં રહેતા કેતનભાઈ સોલંકી હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે. મૃતક ૨૦ વર્ષીય સ્વાતિ સોલંકી વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તેજસ્વી વિર્દ્યાથિની હતી. તેની નાની બહેન ૧૬ વર્ષીય સુહાની તાજેતરમાં સીબીએસસી ધોરણ-૧૦ પાસ કરી ધોરણ-૧૧ કોમર્સમાં પ્રવેશ લેવા તૈયારી કરી રહી હતી. ગઈકાલે બપોરના સમયે સ્વાતિ પોતાની નાની બહેન સુહાનીને મોપેડ પર બેસાડી તેના એડમિશન માટે જે.બી. ડાયમંડ સ્કૂલ ખાતે લઈ ગઈ હતી. ત્યાં સુહાનીને સ્કૂલમાં ઉતારી સ્વાતિ કોઈ વ્યક્તિગત કામસર મોપેડ લઈને પરત નીકળી હતી. દરમિયાન લસકાણા નજીક સાગવાડી વિસ્તારમાં પહોંચતા જ એક એસટી બસનાં ચાલકે બેદરકારીપૂર્વકને મોપેડ ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં સ્વાતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે જ ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરનાં તબીબે તપાસ બાદ સ્વાતિને મૃત જાહેર કરી હતી. યુવતીના અચાનક નિધનથી પરિવાર પર આફત તૂટી પડી છે. એક તરફ નાની બહેનનાં ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ મોટી બહેનનાં મોતનાં સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત બનાવ અંગે લસકાણા પોલીસે એસટી બસનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.