ગાંધીનગર ખાતે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026  |   2178

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને આડે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહીની આખરી તૈયારીઓને ઓપ અપાઈ રહયો છે. જેના અંતર્ગત ગાંધીનગરમાં ઈવીએમ મશીનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને મતદાનની પ્રકિયા માટે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. આગામી રવિવારે યોજાનારી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને તેજ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે દરેક સ્તરે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. મતદાન મથકોની વ્યવસ્થા, સુરક્ષા, સ્ટાફની નિમણૂક સહિતની કામગીરીઓ સાથે સાથે ટેક્નિકલ તૈયારીઓ પર પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. જેથી મતદાન સમયે મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે.

ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ મશીનોને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ગાંધીનગરના સેક્ટર ૧૬ ખાતે ઈવીએમ મશીનો સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કંટ્રોલ યુનિટ સાથે મશીનોને યોગ્ય રીતે સીલ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને વિશ્વસનીય રહે તે માટે ઓબ્ઝર્વર દ્વારા તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. ઈવીએમ મશીનોની સીલિંગની પ્રક્રિયા પૂરી થયા બાદ આ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution