લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026 |
3069
કેન્દ્રીય કેબિનેટે મંગળવારે રૂા.૧૮,૧૦૦ કરોડના ખર્ચ સાથે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ૫.૦ ને મંજૂરી આપી છે. આ યોજનાનો હેતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આર્થિક તણાવનો સામનો કરી રહેલા MSME, એરલાઇન્સ અને અન્ય વ્યવસાયોને મદદ કરવાનો છે.
આ યોજના દ્વારા રૂા.૨.૫૫ લાખ કરોડ સુધીના વધારાના ક્રેડિટ પ્રવાહને સરળ બનાવવાની અપેક્ષા છે, જેમાં એરલાઇન સેક્ટર માટે રૂા.૫,૦૦૦ કરોડ અનામત રાખવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજના કટોકટીથી પ્રભાવિત MSME અને એરલાઇન્સમાં લિક્વિડિટી (નાણાકીય તંગી)ની સમસ્યાને ઉકેલવા માટે તૈયાર કરવામાં આવી છે.
સરકાર નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા ધિરાણકર્તાઓને MSME માટે ૧૦૦% અને નોન-સ્જીસ્ઈ તેમજ એરલાઇન સેક્ટર માટે ૯૦% ક્રેડિટ ગેરંટી કવરેજ પૂરું પાડશે. આ યોજના એવા સ્જીસ્ઈ, વર્કિંગ કેપિટલ ધરાવતા નોન-સ્જીસ્ઈ અને શેડ્યૂલ પેસેન્જર એરલાઇન્સ માટે ઉપલબ્ધ રહેશે, જેમના ક્રેડિટ એકાઉન્ટ્સ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી સ્ટાન્ડર્ડ હતા. પાત્ર ઉધારકર્તાઓ નાણાકીય વર્ષ ૨૬ના ચોથા ક્વાર્ટરમાં ઉપયોગમાં લેવાયેલી પીક વર્કિંગ કેપિટલના ૨૦% સુધીની વધારાની લોન મેળવી શકે છે, જેની મહત્તમ મર્યાદા રૂા.૧૦૦ કરોડ રહેશે. એરલાઇન્સ માટે આ મર્યાદા પ્રતિ ઉધારકર્તા રૂા.૧,૫૦૦ કરોડ સુધીની છે. આ યોજના હેઠળની લોન પર કોઈ ગેરંટી ફી લેવામાં આવશે નહીં. MSME અને નોન-MSME માટે લોનની મુદત એક વર્ષના મોરેટોરિયમ સહિત પાંચ વર્ષની રહેશે. એરલાઇન્સ માટે આ મુદત બે વર્ષના મોરેટોરિયમ સાથે સાત વર્ષની રહેશે.
આ યોજના નોટિફિકેશન જાહેર થયાની તારીખથી લઈને ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધી મંજૂર કરાયેલી લોન પર લાગુ થશે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાનો ઉદ્દેશ્ય વૈશ્વિક વિક્ષેપ વચ્ચે વ્યવસાયોને તેમની કામગીરી ચાલુ રાખવા, નોકરીઓ બચાવવા અને સપ્લાય ચેઇનને જાળવી રાખવામાં મદદ કરવાનો છે.