‘સબકા સાથ, સબકા વિકાસ, હવે સબકા હિસાબ’: બંગાળ ભાજપ નેતા ઘોષની ચીમકી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, મે 2026  |   4158

પશ્ચિમ બંગાળની ખડગપુર સદર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના પ્રદીપ સરકારને ૩૦,૫૦૬ મતોથી હરાવનાર ભાજપના નવનિર્વાચિત ધારાસભ્ય દિલીપ ઘોષે પોતાના મતવિસ્તારમાં બુલડોઝર પર પાર્ટીનો ઝંડો લહેરાવીને જીતની ઉજવણી કરી હતી. ૬૧ વર્ષીય પૂર્વ સાંસદ ઘોષે સબકા સાથ, સબકા, બાદ હવે સબકા હિસાબ કરાશે, એવી ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ હતા, જ્યારે ભાજપે ૪૨માંથી ૧૮ બેઠકો જીતીને બંગાળના રાજકારણમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી.

હવે જ્યારે બંગાળમાં ભાજપ પોતાની પ્રથમ સરકાર બનાવવા જઈ રહ્યો છે, ત્યારે દિલીપ ઘોષે એક મુલાકાતમાં નવી સરકારના એજન્ડાથી લઈને મમતા બેનર્જીના વલણ સુધીના વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

દિલીપ ઘોષે બંગાળમાં ભાજપ સરકારના એજન્ડા અને રાજ્ય સામેના આર્થિક પડકારો વિશે બોલતાં જણાવ્યું હતું કે, બિહારમાં પણ સ્થિતિ ખરાબ હતી પરંતુ હવે સુધરી રહી છે. અમારો વિશ્વાસ છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી બધું જ શક્ય છે. પશ્ચિમ બંગાળમાં ક્ષમતા છે અને અહીંના લોકોમાં કાબેલિયત છે, તેથી આપણે રાજ્યને તક અને લોકોને સારો વહીવટ આપવો પડશે. ૫૦ લાખથી વધુ યુવાનો નોકરીની શોધમાં બંગાળ છોડી ગયા છે. તેઓ ઘરે પાછા આવીને અહીં કામ કરવા માગે છે. અમે તેમને તે તક આપીશું. અહીં કોઈ વહીવટ નહોતો, કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ નહોતું અને કોઈ ઉદ્યોગ નહોતો. શિક્ષણ વિભાગ ખખડધજ છે અને આરોગ્ય વિભાગની હાલત કફોડી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution