લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
1386
ખાન સરના તરીકે દેશભરમાં જાણીતા બિહારના ફૈઝલ ખાન સરના કોચિંગ સેન્ટરમાં તોડફોડ કરીને ગાર્ડ પર હુમલો કરાતા હોબાળો મચી ગયો છે. આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે. પટણા પોલીસે જણાવ્યું છે કે, કદમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર ૨ જૂનની રાત્રે લગભગ ૧૦:૧૦ વાગ્યે પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું છે કે અન્ય એક કોચિંગ સંસ્થા, જ્ઞાન બિંદુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા આશરે ૧૫ થી ૨૦ લોકો આ હુમલામાં સામેલ હતા.
અહેવાલો અનુસાર, આ ઘટનામાં એક જૂથે ખાન સરના કોચિંગ સેન્ટરના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલા દરમિયાન સંસ્થાની મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટના વખતે કોઈ ગોળીબાર થયો હોવાના પુરાવા મળ્યા નથી. સીસીટીવી ફૂટેજમાં ગોળીબારની કોઈ પુષ્ટિ થઈ નથી.