લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026 |
2277
ગાંધીનગર જિલ્લામાં પત્રકારત્વના ઓઠા હેઠળ ખંડણી માંગતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સાંતેજ પોલીસે એક મહિલા બુટલેગર પાસેથી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવનાર ત્રણ કથિત પત્રકારો સામે ગુનો નોંધી એક શખ્સની ધરપકડ કરી છે. આ બોગસ પત્રકારોએ “તમે દેશી દારૂનો ધંધો કરો છો” તેમ કહી વીડિયો બનાવી બ્લેકમેલિંગનો ખેલ શરૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં એક મહિલા બુટલેગરનો વીડિયો બનાવીને ત્રણ કથિત પત્રકારોએ તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ શખ્સોએ મહિલાને ધમકી આપી હતી કે જાે તે પૈસા નહીં આપે તો તેનો દારૂ વેચવાનો વીડિયો સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વાયરલ કરી દેશે. આ ધમકીથી ડરી ગયેલી મહિલા પાસેથી આ ટોળકીએ કુલ ૧ લાખ ૫ હજાર રૂપિયા પડાવી લીધા હતા.
આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા સાંતેજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આ ખંડણીખોર ટોળકીના એક સાગરીત અંકિત વ્યાસ નામના બોગસ પત્રકારને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ શખ્સો પત્રકારના નામે રોફ જમાવીને લોકોને બ્લેકમેલ કરવાનું નેટવર્ક ચલાવતા હતા. આ મામલે પોલીસે કુલ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે. પકડાયેલા અંકિત વ્યાસ સિવાય અન્ય બે કથિત પત્રકારો મીતાંશુ દરજી અને સંજય પાંડે હાલ ફરાર છે. સાંતેજ પોલીસે આ બંને આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.