લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
2277
શહેરના શાહીબાગ વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચકચારી લોહિયાળ હુમલાની ઘટના સામે આવી છે. પુત્રવધૂને બદનામ કેમ કરો છો તેમ કહી વેવાઈ પક્ષના ચાર સભ્યોએ એક રિક્ષાચાલક આધેડ પર જાહેર રોડ પર લોખંડની પાઇપ અને ચપ્પુ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. હુમલામાં લોહીલુહાણ થયેલા આધેડને સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અસારવા ગ્રીન સીટી સોસાયટી સામે આવેલી મોતીલાલ લલ્લુભાઈની ચાલીમાં રહેતા ૫૬ વર્ષીય મુકેશભાઈ ચમનભાઈ પટણી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૨૧માં તેમના મોટા પુત્ર અવિનાશના લગ્ન ચમનપુરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ નથ્થુભાઈ પટણીની પુત્રી રેશમા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન રેશમાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં પતિએ ઠપકો આપ્યો હતો. આ બાબતને લઈને દોઢ વર્ષ પહેલાં તેના પિતા રાજુભાઈ પુત્રીને પોતાના ઘરે લઈ ગયા હતા. મુકેશભાઈએ સમાજના માણસો મારફતે પુત્રવધૂને પરત લાવવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ વેવાઈએ “તમે મારી દીકરીને બદનામ કરો છો” તેમ કહી અવારનવાર ઝઘડા કર્યા હતા. ગઈકાલે ૧૯ મેની રાત્રે પોણા આઠ વાગ્યે મુકેશભાઈ ઘરેથી અસારવા સંતોષી માતાના મંદિર પાસે ચાઈનીઝ લેવા નીકળ્યા હતા. રાત્રે આઠેક વાગ્યે તેઓ કડિયાની ચાલી પાસેના ત્રણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ તેમના વેવાઈ રાજુભાઈ પટણી, વેવાણ જ્યોત્સનાબેન, વેવાઈનો સાળો રાકેશ ગોવિંદભાઈ પટણી અને પુત્ર સુમીત પટણી ત્યાં ધસી આવ્યા હતા. “અમારી દીકરીને કેમ બદનામ કરો છો?” તેમ કહી ચારેય જણાએ મુકેશભાઈ સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ઉશ્કેરાયેલી વેવાણ જ્યોત્સનાબેન ક્યાંકથી લોખંડની પાઇપ લાવી મુકેશભાઈના માથામાં ફટકારી દીધી હતી. જ્યારે તેમના ભાઈ રાકેશે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી મુકેશભાઈના ડાબા પડખામાં, જમણા હાથની બગલમાં તેમજ પીઠના ભાગે ઉપરાછાપરી ઝીંકી દીધું હતું. હુમલાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ચારેય હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં આધેડને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચાડાયા હતા.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.