સરદાર પટેલના માનમાં બારડોલીમાં ખેડૂત સંમેલન
11, જુન 2025 2277   |  

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તા ૧૨મી જૂનના રોજ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીનું આ વર્ષ દેશભરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે. એટલું જ નહીં, વડાપ્રધાને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશના રાજ્યોમાં યોજીને ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવાનો પણ માર્ગ ચીંધ્યો છે. આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શિવરાજસિંહ ચૌહાણ એ ૨૯ મે એ ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો. તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં ગુરુવાર તા. ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થવાનું છે. વડાપ્રધાન મોદીએ આર્ત્મનિભર ખેડૂત- આર્ત્મનિભર ખેતીના આપેલા ધ્યેયને સિદ્ધ કરીને કૃષિ ટેકનોલોજી ગામડે ગામડે પહોંચાડવા અને ખેડૂતોને માઇક્રો ન્યુટ્રીયન્ટના યોગ્ય ઉપયોગ સહિતની ટેકનોલોજી વિશે માહિતગાર કરવા યોજાયેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ૩૧ જિલ્લાઓના ૨૨૫૦ ગ્રામ્ય ક્લસ્ટર દ્વારા ચાર લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લામાં તૈયાર થયેલા બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદ તાલુકામાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત આ ખેડૂત સંમેલનમાં કુલ ૨૫ હજાર મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા ૧૪ ગોડાઉનના ઈ-લોકાર્પણ અને બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુર્હત પણ કરવામાં આવશે. આવતીકાલે ગુરુવારે તા. ૧૨મી જૂને સવારે ૧૦ કલાકે બારડોલીના સાંકરી બીએપીએસ મંદિર કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનારા આ ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution