01, ઓક્ટોબર 2025
સુરેન્દ્રનગર |
3168 |
બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડેમાં એક કાર પલટી ખાઈ પાણીમાં ખાબકતા કારમાં સવાર બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સરા-ધ્રાંગધ્રા રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી પલટી મારીને પાણીના ખાડામાં ખાબકી હતી. અકસ્માતને પગલે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા.
આ ત્રણેય મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહોને તાત્કાલિક ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.