વડોદરા, તા.૧૪ 

ફતેગંજના ચકચારી પ્રકરણમાં અદાલતમાં બેના ૧૬૪ મુજબના નિવેદનથી હત્યાકાંડમાં સામેલ આરોપી પી.આઇ, પી.એસ.આઇ અને ચાર જવાનો માટે કાયદાથી બચવાનો કોઇ આરો રહ્યો નથી ત્યારે ઘટના સમયે હાજર અન્ય સ્ટાફ ઉપર ફોન કરી આરોપીઓ હજુ પણ ધમકાવી રહ્યા હોવાની ચર્ચા પોલીસબેડીમાં વ્યાપી છે. બીજી તરફ આરોપી પી.આઇ નિઝામપુરાના જે વૈભવી બંગલામાં રહેતો હતો એનો માલીક ખુદ પેટ્રોલ પંપ સંચાલક હોવાનું બહાર આવતાં બે કારબા પેટ્રોલએ વિવાદીત પેટ્રોલપંપ ઉપરથી જ ખરીદાયું હોવાનુ માની એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. કાયદાના જાણકારોના જણાવ્યા મુજબ આવા સંવેદનશીલ મામલામાં ૧૬૪ મુજબના નિવેદનો મહત્વના પુરવાર થાય છે એનાથી કેસ વધુ મજબુત બને છે અને હવે ટ્રાયલ પણ ટુંક સમયમાં જ શરૂ થશે અને આરોપીઓને છટકવાનો કોઇ મોકો મળે એમ લાગતું નહીં હોવાનું ઉમેર્યું છે. પોલીસે ગઇ કાલે શેખ બાબુના મૃદેહને સગેવગે કરવા વપરાયેલી કાર કબજે કર્યા બાદ મૃતદેહને સળગાવવા માટે ફતેગંજના કોઇ પેટ્રોલપંપ ઉપરથી બે કારબા લેવાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આરોપી ડી.બી. ગોહિલ નિઝામપુરાની સર્વોદય સોસાયટીના જે વૈભવી બંગલામાં ભાડે રહેતા હોવાનું બહાર આવ્યું છે. એ બંગલા તો માલિક ફતેગંજ રોડ પર આવેલ વિવાદીત એસ.આર.પેટ્રોલ પંપના માલિક કેશર યાદવ છે એથી આ સંર્પકોના કારણે એના પંપ ઉપરથી આરોપીઓએ બે કારબા ભરીને પેટ્રોલ લીધું હોઇ શકે છે.  ખરેખરતો પેટ્રોલ અતિ જ્વલનશીલ પદાર્થ છે અને એનો આવા ગેરકાયદે ઉપયોગ ના થાય એ માટે કારબામાં આપવા ઉપર પ્રતિબંધ છે છતા આ પેટ્રોલ પંપ માલિક સાથેના સબંધોને કારણે આ પેટ્રોલ અપાયું હશે એથી એ દિશામાં પોલીસે તપાસ ધરી છે. એના માટે ૧૦મી ડિસેમ્બરના સી.સી.ટી.વી. કેમેરા પણ ચેક કરવામાં આવશે એમ પોલીસ સુત્રોએ જણાવ્યું છે. 

પોલીસની સૌરાષ્ટ્રમાં ચાંપતી તપાસ

ફતેગંજ કસ્ટોડીયલ ડેથના આરોપી પોલીસકર્મીઓને ઝડપી પાડવા શહેરપોલીસની ડી.સી.બી, પી.સી.બી, એસ.ઓ.જી.ની જુદીજુદી દિશામાં એ શોધખોળ આરંભી છે ત્યારે મોટાભાગની ટીમોએ સૌરાષ્ટ્રમાં ડેરા નાખ્યા છે. મોટા ભાગના આરોપીઓના સૌરાષ્ટ્રનાં સંપર્ક હોવાથી આરોપીઓ ત્યા સંતાયા હોવાનું માની પોલીસ સૌરાષ્ટ્રમાં ચાંપતી તપાસ ચલાવી રહી છે.