લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026 |
3069
સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં બે બહેનપણીઓ વચ્ચેનાં ગાઢ લાગણીસભર સંબંધનો કરુણ અંત આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાની ખાસ બહેનપણીથી દૂર થવાના ડર અને ભાવનાત્મક તણાવ વચ્ચે એક સગીરાએ એસિડ પી આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનની વતની ૧૭ વર્ષીય પૂજા (નામ બદલ્યું છે) કોસાડ આવાસમાં પોતાના ભાઈ સાથે રહેતી હતી. પરિવારનાં માતા-પિતા અને એક ભાઈ હાલ વતનમાં રહે છે, જ્યારે સુરતમાં પૂજા પોતાના મોટા ભાઈ અજય સાથે રહેતી હતી. અજય એમ્બ્રોડરી ખાતામાં કામ કરે છે અને પૂજા પણ એમ્બ્રોડરી યુનિટમાં કામ કરતી હતી. ગઈકાલે સાંજે બહેન માટે ઠંડુ-પીણું લેવા ગયેલા ભાઈની ગેરહાજરી દરમિયાન પૂજાએ એસિડ પી લીધું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી યુવતીને સારવાર માટે પ્રથમ સ્મીમેર અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં મોડી રાત્રે તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે પરિવારજનોનાં નિવેદન લઈને યુવતીએ ખરેખર કયા કારણોસર એસિડ પીધું તે દિશામાં તપાસ શરૂ કરી છે.
મૃતકનાં ભાઈનાં જણાવ્યા અનુસાર પૂજા અને તેની બહેનપણી રશ્મિ (નામ બદલ્યું છે) વચ્ચે અત્યંત ગાઢ લાગણીસભર સંબંધ હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર બંને એકબીજા વગર રહી શકતા ન હતા.રશ્મિથી દૂર થવાનો ભય અથવા તેની ચિંતા પૂજાને અંદરથી તોડી રહી હતી.થોડા દિવસો પહેલાં બંને યુવતીઓએ સાથે રહેવાની ઈચ્છા સાથે ઘરેથી ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. બંને સુરત રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી, જ્યાં પોલીસની શી ટીમે તેમને શોધી કાઢી હતી. ત્યારબાદ બંનેના પરિવારજનોને બોલાવી સમજાવટ કરીને યુવતીઓને પરિવાર સાથે મોકલવામાં આવી હતી. તે સમયે જ બંને વચ્ચેનાં ગાઢ સંબંધ અંગે પરિવારજનોને જાણ થઈ હતી.જે તે સમયે બંનેને સમજાવીને પરિવાર સાથે મોકલવામાં આવી હતી.
ગતરોજ સાંજે પૂજાએ અચાનક ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. તેણે ભાઈને કહ્યું હતું કે, મને બહુ ગભરામણ થાય છે, કંઈક ઠંડુ પીવું છે, તમે મારા માટે ઠંડું લઈ આવો. બહેનની વાત માની અજય નજીકની દુકાને ઠંડુ લેવા માટે ગયો હતો.પરંતુ જ્યારે અજય ઘરે પરત ફર્યો ત્યારે પૂજા ઘરમાં બેભાન હાલતમાં પડી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, ભાઈની ગેરહાજરી દરમિયાન તેણે એસિડ પી લીધું હતું.