લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026 |
2376
જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના ૩૩ કર્મચારીઓ પાસે ટીએ બીલ પાસ કરવા ૪૯,૫૦૦ તથા ૧૩ કર્મચારીઓનાં એલટીસી બિલ પાસ કરવા માટે ૧૩ હજાર મળી કુલ ૬૨,૫૦૦ રૂપિયા લાંચ માગનાર સીનિયર એકાઉન્ટ ક્લાર્ક અને લાંચની રકમનાં હપ્તા પેટે ૩૦ હજાર રૂપિયા લેતા તેણીનાં દિકરાને એસીબીએ ઝડપી પાડ્યા હતાં. એન્ટિ કરપ્શન બ્યુરો પાસે મળતી માહિતી અનુસાર જહાંગીરાબાદમાં ભેંસાણ રોડ ઉપર ઓમકાર હાઇટ્સમાં રહેતાં રૂપલ પરેશકુમાર ટેલર સુરત જિલ્લા પંચાયતમાં ખેતીવાડી શાખામાં સીનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જિલ્લા પંચયાકના કર્મચારીઓના ટીએ-ડીએ બિલ પાસ કરવા તથા એલટીસી મંજુર કરવવાનું તેણીનાં કાર્યક્ષેત્રમાં આવે છે. ૪૫ વર્ષીય રૂપલ ટેલરે તેની ફરજમાં આવતું અને સાથી કર્મચારીઓના હીતનું કામ કરવા માટે લાંચની માંગણી કરી હતી.
ટીએ બીલ પાસ કરવા માટે કર્મચારી દીઠ તેણીએ ૧૫,૦૦૦ રૂપિયા ડીમાન્ડ કરવા માંડી હતી. જેના કારણે ૩૩ કર્મચારીઓના બીલ અટવાયા હતાં. ૩૩ કર્મચારીઓ ૧૫,૦૦૦ રૂપિયા લેખે ૪૯,૫૦૦ રૂપિયા આપે તો જ ટીએ બિલ પાસ થાય એવી સ્થિતિ રૂપલ ટેલરે ઉભી કરી દીધી હતી. આ ઉપરાંત કર્મચારીઓને પ્રવાસ માટે સરકાર તરફથી અપાતા લાભો એટલે કે લીવ ટ્રાવેલ એલાઉન્સ પાસ કરવા માટે પણ ટેલરે લાંચ માંગી હતી. કર્મચારી દીઠ ૧૦૦૦ રૂપિયાની ડીમાન્ડ તેણી દ્વારા કરાઇ હતી. જેમાં ૧૩ કર્મચારીઓનાં એલટીસી અટકી પડી હતી. કુલ ૬૨,૫૦૦ રૂપિયા લાંચ આપવામાં આવે તો જ ૪૬ કર્મચારીઓનાં બીલ પાસ કરીશ એવી ડીમાન્ડ ટેલરે કરી હતી. કર્મચારીઓ તેમના હક્કનાં, કાયદેસરનાં નાણાં મેળવવા માટે લાંચ આપવા માગતા ના હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. મદદનીશ નિયામક આર. આર. ચૌધરીએ કર્મચારીઓને સાંભળી તેમની ફરિયાદ લીધી હતી. સાથે જ ઇન્સપેક્ટર કલ્પેશ ધડુકને છટકાનું આયોજન કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.કલ્પેશ ધડુકે કર્મચારી પાસે રૂપલ ટેલરને કોલ કરાવ્યા હતાં. તેણીએ વ્યવહાર પુરો કરો એટલે કે લાંચ આપો એટલે તમારૂ કામ થઇ જશે એ મતલબની વાતો કરી હતી. જેમાં કર્મચારીઓ હાલ ૩૦ હજારની વ્યવસ્થા થઇ છે, એ આપી દઇએ, બાકીના પછી સમજી લઇશું એમ કહ્યું હતું. રૂપલ ટેલરે આ વાત માન્ય રાખી અને લાંચના ૩૦ હજાર લઇ ઉગત ભેંસાણ રોડ સ્થિત ઓમકાર હાઇટ્સ આવવા કહયું હતું. જ્યાં કર્મચારીની સાથે એસીબીની ટીમ પણ પહોંચી હતી. ઓમકાર હાઇટ્સ પાસે લાંચની રકમ લેવા રૂપલ પટેલનો ૧૯ વર્ષનો દિકરો ઝીલ ટેલર આવ્યો હતો. માતા સાથે વાત કરી જીલે લાંચની રકમ સ્વીકારી એટલે એસીબીએ તેને દબોચી લીધો હતો. ઝીલ પકડાયા બાદ એસીબીની ટીમે રૂપલ ટેલરનાં ઘરે છાપો મારી તેણીની પણ ધરપકડ કરી હતી.