લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુન 2026 |
3069
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા જીઆઈડીસીમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. નરોડા જીઆઈડીસી ફેઝ-૩ માં અર્બુદા કાંટા નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જાેતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. નરોડા જીઆઈડીસીવિસ્તારમાં ફેઝ ૩માં આવેલી એક કેમિકલની કંપનીમાં આગ લાગી હતી.જેમાં બોઈલરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે.બ્લાસ્ટ થયો હોવાના કારણે ૩ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. જેમને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ત્યાં નજીકમાં પડેલા એક ટ્રકમાં પણ આગ લાગી ગઈ હતી જેમાં પણ પાણીનો મારો ચલાવી આગના કાબુમાં લેવામાં આવી હતી.
આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે.કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગેલી હતી તે સમગ્ર મામલે એફએસએલની મદદથી તપાસ કરવામાં આવશે.ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવા માટે એફએસએલ અને પોલીસની મદદ લેવામાં આવી છે. ફાયર ઓફિસર જે.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે નરોડા જીઆઇડીસીમાં કેમિકલ ટેન્કમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો.ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક હાઈડ્રોજન ટેંક હતી. જેમાં હાઇડ્રોજન ભરેલું હતું અને આગ લાગી હતી.ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી છે.હાલમાં પોલીસ, ફાયરબ્રિગેડ અને જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઝોન ૪ ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે નરોડા જીઆઇડીસી વિસ્તારમાં ઇન્ટરમિડીયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કોઈ રિએક્શનના કારણે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.
ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ત્રણ લોકોને ઈજા થઈ હતી.જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે,જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ છે. કંપની દ્વારા ક્યાં બેદરકારી દાખવવામાં આવી છે તે અંગેની તપાસ કરવામાં આવશે.ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી વગેરેની ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ આપવામાં આવશે.તેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.