લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, મે 2026 |
1881
આફ્રિકન દેશ કોંગોમાં હાલ ઇબોલા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને પગલે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ આવેલા ૧૧ લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મુંબઈથી વડોદરા આવેલા ૩૭ વર્ષીય બિઝનેસમેનમાં શંકાસ્પદ લક્ષણો જાેવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિની સાથે બીજા બે વ્યક્તિ હતા. આ બંને વ્યક્તિને પણ જીફઁ હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે. અને એક ડૉક્ટર પણ સંપર્કમાં આવ્યા હતા. તો એમને પણ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ પોઝિટિવ નથી, ટેસ્ટ ચાલી રહ્યા છે: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, એક બિઝનેસમેન(ઉ.વ.૩૭) આ પાંચ-સાત દિવસ પહેલા કોંગોથી બોમ્બે આવે છે અને ત્યાંથી પછી વડોદરા આવે છે. વડોદરામાં એમને તાવ આવતો હોય એવું જણાતા એને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી હેલ્થ વિભાગને જાણ થતાં તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૧ દિવસ માટે ક્વોરન્ટીન કરી તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને વિવિધ ટેસ્ટ ચાલી રહ્યા છે. અત્યાર સુધી કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
અમદાવાદની જીફઁમાં ૬૦ બેડ તૈયાર
યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. જીફઁ હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન રાખવા માટે અલગથી ૬૦ બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.
બેંગલુરુમાં શંકાસ્પદ કેસ મળી આવ્યો
યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાયરસના ગંભીર લક્ષણો જાેવા મળ્યા છે. સંક્રમણની આશંકાને પગલે તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.