લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
2772
સુરત શહેરના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સુરત શહેરમાં આગામી નજીકના દિવસોમાં મેટ્રો ટ્રેનની ઝડપ જાેવા મળે તેવી શક્યતા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ હવે હકીકત બનવા તરફ એક મોટું પગલું આગળ વધી રહ્યો છે. સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિ.મી.ના વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાયું છે. આ ટ્રાયલ સાથે શહેરને આધુનિક, ઝડપી અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થા મળવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે એક તરફ પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જ મેટ્રોનું પ્રથમ ટ્રાયલના કારણે લોકોમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીના પડઘમ પણ વાગી ગયા છે. ભાજપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ જમાવવા એનકેન પ્રયાસો કરશે. જાેકે ભાજપ સુરત શહેરના વિકાસ અને મહત્વના પ્રોજેક્ટો શહેરીજનો બતાવી પોતાનો પ્રચાર, પ્રસાર કરશે. ગત તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૧થી મેટ્રો રેલની કામગીરીના શ્રીગણેશ થયા હતા. ૪૦.૪૫ કિમીના બે રૂટ પર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે. જેમાં ડ્રીમ સિટીથી સરથાણા (ડાયમંડ કોરિડોર) અને સારોલીથી ભેંસાણ (ટેક્સટાઈલ કોરિડોર) છે. ૫ વર્ષથી મેટ્રોની ચાલી રહેલી કામગીરીને કારણે શહેરીજનો હવે હાય તોબા પોકારી ઊઠ્યા છે. મેટ્રોના કારણે લોકોને અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે, અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે હવે આ પ્રોજેક્ટ શરૂ થાય તેની શહેરીજનો કાગડોળે રાહ જાેઈ રહ્યા છે. જેથી આ સમસ્યાનો કોઈ અંત આવે, પરંતુ મેટ્રોના સત્તાધીશોના જણાવ્યા અનુસાર જૂન ૨૦૨૬ સુધીમાં મેટ્રો ફુલફ્લેઝમાં શરૂ થઈ જશે તેમ જણાવ્યું છે. આ તારીખ બાદ મેટ્રોના શુભારંભ માટે નવી કોઈ તારીખ ના આવે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે. સુરત મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિ.મી.ના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થયું છે. સાથે સાથે આ રૂટમાં ટ્રેનની ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ હવે સુરતીઓને ટૂંક સમયમાં મેટ્રો મળી જશે. મેટ્રોના કુલ સાત સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થયેલી છે. આ ટ્રાયલમાં ટ્રેન રન આશરે ૫૦૦ કલાકનો કરવામાં આવતો હોય છે અને તેની સર્વે ચકાસણી કરવાની હોય છે. જેની આજના ટ્રાયલ રનથી શરૂઆત થઈ છે. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિલોમીટર લાંબા વાયડક્ટનું કામ પૂર્ણ થતાં સુરત મેટ્રો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ર્નિણય પર પહોંચી ગયો છે. સુરતમાં આજે ૮.૫ કિલોમીટર લાંબા વાયડક્ટ રૂટ પર ટ્રાયલ રન પુરો થતા સુરતમાં ઝડપી મેટ્રો દોડતી જાેવા મળે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. જેના કારણે સુરતીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ૫૦૦ કલાકની કડક ટેક્નિકલ અને સલામતી ચકાસણી થયા બાદ સુરતવાસીઓને આધુનિક, ઝડપી અને સુવિધાસભર મેટ્રો સફરની ભેટ મળવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
સુરતની મેટ્રો ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે
સુરત મેટ્રો ટ્રેનની વિશેષતાએ છે કે, દરેક ટ્રેન ૩ કોચની બનેલી હશે. ટેકનોલોજી એવી છે કે આ ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે અને તેની સ્પીડ પ્રતિ કલાક ૮૦ કિ.મી.ની હશે. તમામ ટ્રેનો સીસીટીવી કેમેરા, ફાયર ડિટેક્શન સિસ્ટમ અને રિયલ-ટાઇમ મોનિટરિંગ ટેકનોલોજીથી સજ્જ હશે. સુરત મેટ્રો રેલના કોચ ગુજરાત અને સુરતની સંસ્કૃતિ અને સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને ધ્યાને રાખીને ઇન્ટિરિયર કરવામાં આવનાર છે. ડાયમંડ શેપ, ગરબા, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ વગેરેની થીમ સાંકળી લેવાય તેવું આયોજન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.