છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીને ૪૫ દિવસની સજા ફટકારાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026  |   1881

અમદાવાદ નજીકના રામપુર ગામના છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી પર પાંચ સગીરો દ્વારા જાતીય હુમલો કરવાના મામલે પાંચેયને ૪૫ દિવસની સજા અને તેમના વાલીઓને ૧૫-૧૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે. રામપુર ગામના છાત્રાલયમાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ નજીક આવેલી શાળામાં અભ્યાસ કરતા અને રામપુર છાત્રાલયમાં ભોજન અને રહેવાની સગવડ મેળવતા હતા. એક ૧૪ વર્ષનો વિદ્યાર્થી ભણવા માટે પોતાના વતનથી આશરે ૮૦ કિલોમીટર દૂર આ છાત્રાલયમાં રહેવા આવ્યો હતો. શાંત સ્વભાવના આ વિદ્યાર્થીને અન્ય ધોરણમાં ભણતા અને એક જૂથના વિદ્યાર્થીઓ સાથે પનારો પડ્યો હતો. આ પાંચેય સગીર પાન મસાલા ખાતા અને મોબાઈલ ફોન રાખતા અને પોર્ન વીડિયો જાેઈ તેમના મનમાં કામ વાસના જાગી હતી. જેથી તે લોકોએ ભેગા મળીને સોફ્ટ ટાર્ગેટ તરીકે પીડિતને શોધ્યો હતો. રાત્રીના ભોજન બાદ ભોજન બનાવનાર રસોઈયા તથા છાત્રાલયના ગૃહપતિ અને ગાર્ડ નજીકના ગામમાં રહેતા હોઈ બાળકોને એકલા મૂકી પોતપોતાના ઘરે જતા રહેતા હતા. જેથી પાંચ સગીરોને મોકળું મેદાન મળી ગયું. તેમણે પોતાના ખરાબ ઈરાદાના ભાગરૂપ શાંત વિદ્યાર્થી પાસે સૃષ્ટિ વિરુદ્ધના કામ કરવાની માગણી શરૂ કરી હતી અને તેને માર મારી ધમકી આપવાની શરૂ કરી હતી. પીડિત ગભરાઈ ગયો પરંતુ તેને ગૃહપતિને હકીકત કહેતા પાંચે સગીરે તેને ધમકી આપી કે જાે તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું. અંતે એક રાત્રે છાત્રાલયનો સ્ટાફ ઘરે જતો રહ્યો હતો અને સગીર આરોપીએ બાકીના સગીરોને સાથે રાખી પીડિત પર દુષ્કર્મ આચર્યું હતું. આ વિવાદનો કેસ ચાલી જતાં સરકાર તરફથી એ.પી.પી. અમિત તિવારી દ્વારા ૨૮ જેટલા સાહેદ તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા અને દલીલ કરાઈ જેમાં પાંચેય સગીર દ્વારા સક્રિય ભાગ ભજવ્યો હોવાની તેમજ ભોગ બનેલા બાળક પર શારીરિક હુમલો કર્યાની અને તેનું શોષણ કર્યાની તેમજ કોર્ટમાં સાહેદોએ ઓળખી બતાવ્યા છે તેવી રજૂઆત કર્યા હતા. તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ એમ. વી. પંડ્યાએ પાંચ સગીરને ૪૫ દિવસની સજા કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution