લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026 |
2871
રાજકીયનેતાનાં ઇશારે નાસિરનગરમાં કરાયેલાં સ્પોન્સર્ડ ડીમોલિશનકાંડમાં હાઇકોર્ટનાં આકરાં તેવર જાેતાં મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને વિલંબથી પરંતુ અપેક્ષામુજબ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઇજનેર જયાંગ જીવનરામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા તેમજ જુનિયર ઇજનેર નરેશ ગલચરને આજે સસ્પેન્ડ કરી દેતાં મહાનગર પાલિકનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ભારે ચકચાર સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. બાયસ તપાસ સમિતિનાં બાયસ તપાસ રીપોર્ટને આધારે મ્યુનિસિપલ કમિશનરે હાઇકોર્ટમાં પોતાના બચાવ માટે સસ્પેન્શનની તલવાર ઉગામવાની ફરજ પડી છે.
સ્પોન્સર્ડ ડીમોલિશનનાં ૯ દિવસ પછી મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનાં અધ્યક્ષસ્થાને છ સભ્યોની તપાસ સમિતિ નીમી હતી જેમાં ડેપ્યુટી કમિશનર મનિષ ડોક્ટર, એડિશનલ સિટી ઇજનેર મહેશ ચાવડા, કાર્યપાલક ઇજનેર કે.એલ.વસાવા, આર.ડી.ગાંજાવાલા અને ડેપ્યુટી ઇજનેર મોહસિન કાગજીનો સમાવેશ કર્યો હતો. સેન્ટ્રલ ઝોનનાં વડા આશિષ નાયક રજા ઉપર હોવાથી ઝોનનો હવાલો મહેશ ચાવડા પાસે હતો અને તેમના હવાલાનાં કાર્યકાળ દરમિયાન જ તા.૩૦મેનાં રોજ ગેરકાયદે ડીમોલિશન થયું હતું. બિલ્ડરનાં લાભાર્થે, બિલ્ડરનાં મેળાપીપણામાં થયેલાં ડીમોલિશનનો ભારે હોબાળો થયો અને સમગ્ર કૌભાંડનો રેલો ગાંધીનગર થઇને દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો. કૌભાંડની ગંભીરતા જાણવા છતાં મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિમાં ડીમોલિશન વખતે સેન્ટ્રલ ઝોનનાં વડાનો હવાલો સંભાળનાર મહેશ ચાવડાનો સમાવેશ કર્યો હતો. જેમનાં કાર્યકાળમાં ગેરકાયદે ડીમોલિશન થયું અને જે અધિકારી શંકાનાં દાયરામાં હોય, શંકાસ્પદ આરોપીનાં પિંજરામાં હોય તે અધિકારીને જ તપાસ સમિતિનાં સભ્ય બનાવી દેવાય તો તે સમિતિ તદ્દન બાયસ જ ગણી શકાય અને આવી બાયસ તપાસ સમિતિનો તપાસ રીપોર્ટ પણ બાયસ જ કહેવાય. મ્યુનિસિપલ કમિશનરની મન્શા જ પ્રમાણિક ન હતી તે વાત ઉપરોક્ત સમગ્ર ગતિવિધિથી પ્રમાણિત થાય છે.
ગેરકાયદે ડીમોલિશન માટે જેટલો દોષ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જીવન રામજીવાલા અને અન્ય અધિકારીઓનો છે તેટલો જ દોષ એડિશનલ સિટી ઇજનેર મહેશ ચાવડાનો પણ ગણી જ શકાય. સેન્ટ્રલ ઝોનનાં ઇન્ચાર્જ વડા તરીકે તેમની જાણ બહાર અધિકારીો અને કર્મચારીઓની ફોજ આટલું મોટું ડીમોલિશન કરવા જાય તે વાત કોઇ પણ સંજાેગોમાં માની શકાય તેમ નથી.મ્યુનિસિપલ કમિશનરે મહેશ ચાવડાને શિક્ષાત્મક પગલાંનાં દાયરાની બહાર રાખીને પ્રમાણિકતાનો છેદ ઉડાવી દીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનાં અધ્યક્ષસ્થાને કાર્યરત બનેલી તપાસ સમિતિએ આજે પોતાનો રીપોર્ટ કમિશનરને સુપ્રત કર્યો હતો જેમાં સમિતિએ ડીટેઇલ ખાતાકીય તપાસની ભલામણ કરી છે. સુજલ પ્રજાપતિ અને જીવનરામજીવાલા સહિતનાં પાંચેય ઇજનેરો નાસિરનગરમાં ડીમોલિશન સમયે ઉપસ્થિત હોવાનાં પુરાવા ધ્યાને લીધાં છે પરંતુ આ પાંચેય ઇજનેરોની ડીમોલિશનમાં શું ભૂમિકા હતી તે હજુ સ્પષ્ટ થયું નથી તદ્દઉપરાંત કેટલાક દસ્તાવેજાે પણ મીસિંગ હોવાનું તપાસ સમિતિનાં રીપોર્ટમાં જણાવાયું છે જેથી ખાતાકીય તપાસને બાધ્ય બને નહીં, પુરાવાનો નાશ થાય નહીં તે બાબતોને ધ્યાનમાં લઇને આ રીપોર્ટને આધારે કમિશનરે પાંચેય ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી છે જેમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ ટોરેન્ટ પાવર કંપની તરફથી એફિડેવિટ રજૂ કરવામાં આવનાર છે. આ એફિડેવિટ પછી હાઇકોર્ટ કેવું વલણ અખત્યાર કરે છે તેની ઉપર તમામની નજર છે.
ગેરકાયદે ડીમોલિશનકાંડનાં વિવાદને પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની બદલી
બિલ્ડરનાં લાભાર્થે નાસિરનગરનાં ડીમોલિશનમાં પ્રોએક્ટિવ ભૂમિકા ભજવનાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી રાજદિપસિંહ નકુમ, પી.આઇ. સોનારાની ગુનાઈત કામગીરીનું કોગ્નિજન્સ નહીં લેનાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની સરકારે આજે બદલી કરી છે. નાસિરનગર સ્પોન્સર્ડ ડીમોલિશન અંગે સુરત પોલીસ તેમાં પણ ખાસકરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમે ભજવેલાં રોલની ખુબ ટીકા થઈ છે. હાઈકોર્ટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીની કામગીરીને ગુનાઈત કૃત્યને સપોર્ટ કરવા જેવી ગણાવીને સુરત પોલીસની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી નવી એફિડેવિટ ફાઈલ કરવા જણાવ્યું હતું. આવતીકાલે ગુરૂવારે હાઈકોર્ટમાં સુનાવણી છે અને પોલીસ કમિશનર તરફે નવી એફિડેવિટ ફાઈલ કરવાની છે તે પહેલાં જ સરકારે કમિશનર અનુપમસિંહ ગહલૌતની અમદાવાદ શહેરનાં કમિશનર તરીકે બદલી કરવાનો હુકમ કર્યો છે. પોલીસ કમિશનરની તો બદલી થઈ, હવે મ્યુનિસિપલ કમિશનર અંગે અટકળો થઈ રહી છે.