લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ડિસેમ્બર 2024 |
5148
ગાંધીનગર રાજ્યની તમામ ૧૧૨ એસડીપીઓ/એસીપીની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે. જેમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી કન્વિકશન રેટમાં વધારો કરવા અને પિડીતોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તા.૧લી જુલાઇ-૨૦૨૪થી અમલમાં મૂકાયો છે. આ ત્રણેય નવા કાયદાઓમાં તપાસની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા ઉપર વિશેષ ભાર મૂકી ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જાેગવાઇ કરાઇ છે. જેને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ ૧૧૨ એસડીપીઓ (પેટા વિભાગીય પોલીસ અધિકારી)/એસીપી(મદદનીશ પોલીસ કમિશનર)ની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા અંગે મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા અને ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરાયેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે, ભવિષ્યમાં તેના ઐતિહાસિક પરિણામ ચોકકસ જાેવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં કન્વિકશન રેટ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવાયા છે અને કન્વિકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં છે. એ જ પ્રયાસના ભાગરૂપે તમામ એસડીપીઓ/એસીપીની કચેરીમાં ‘ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો ર્નિણય લેવાયો છે. રાજ્યમાં બનતા તમામ પ્રકારના ગંભીર ગુનાઓની તપાસના સુપરવિઝનની જવાબદારી જિલ્લાઓમાં એસડીપીઓ અને શહેરોમાં એસીપીની હોય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકે એસડીપીઓ/એસીપી જ્યારે ગંભીર પ્રકારના ગુનાનું સુપરવિઝન કરતા હોય ત્યારે તેઓ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરતા હોય છે અને તપાસ કરનાર અમલદારને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે માર્ગદર્શન પુરૂં પાડતા હોય છે. તેમની આ જવાબદારીનું યોગ્ય રીતે ર્નિવહન થાય તે માટે ફોરેન્સિક સાયન્સ વિષય નિષ્ણાંત અને તાલીમબધ્ધ હોય તેવા ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર તેઓને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. જ્યારે કોઇપણ ગુનો બને ત્યારે ફોરેન્સિક ક્રાઇમસીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને મજબૂત બનાવીને આરોપીઓને સજા થાય તથા પિડીતોને ન્યાય મળે તે હેતુથી આ ર્નિણય લેવાયો છે. ભવિષ્યમાં આ પહેલના કારણે ગંભીર પ્રકારના ગુનાઓના કન્વિકશન રેટમાં ચોક્કસપણે વધારો થશે. ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતો દ્વારા આ તમામ ૧૧૨ ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ને ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે ખાસ તાલીમ આપવા આયોજન કરાયું છે. જેમાં ક્રાઇમ સીન મેનેજમેન્ટ, ભૌતિક પુરાવા અને ચેઇન ઓફ કસ્ટડીનું મહત્વ, ગુના સ્થળની તપાસ પ્રક્રિયા, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશા નિર્દેશ, ઇ-સાક્ષ્યનો ઉપયોગ અને ડિજિટલ પુરાવાઓ સહિતના વિવિધ કાઇમ સીન સંબંધિત વિષયોને આવરી લેવામાં આવશે.