વડોદરા, તા.૧૬  

રાજ્યનો વન વિભાગ,ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતો દ્વારા જે તે ગામોમાં જાપાની મિયાવાકી પદ્‌ધતિ દ્વારા જંગલ ઉછેરવાના આયોજનમાં સહભાગી બન્યો છે. વડોદરાના સામાજિક વનીકરણ વિભાગે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુર ગામે અને છોટાઉદેપુર જિલ્લાના પુનીયાવાંટ ગામે મિયાવાકી જંગલના બે નિદર્શન પ્લોટનો ઉછેર શરૂ કર્યો છે.

નાયબ વન અધિકારી કાર્તિક મહારાજાએ જણાવ્યું કે, પાદરા તાલુકાના જલાલપૂર ગામમાં ૩૦×૧૦ મીટર જમીનમાં અને પુનિયાવાંટ માં ૧૦×૧૦ મીટર જમીનમાં નિદર્શન મિયાવાકી વન ઉછેરવામાં આવી રહ્યું છે. મિયાવાકિ જંગલ ઉછેરવા માટે સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવી તેમને ઊંચાઈ પ્રમાણે ચાર સ્તરમાં વહેંચવામાં આવે છે. ઝાડીઓ, નાના વૃક્ષો, મધ્યમ કદના વૃક્ષો અને વિશાળ વૃક્ષો,એવા ક્રમમાં વાવેતર કરવામાં આવે છે. ફળ ફળાદીનું વન બનાવવું હોય તો ફળાઉ વૃક્ષો વધુ પ્રમાણમાં વાવવામાં આવે છે. પક્ષીઓ અને મધમાખીને આકર્ષનારા વૃક્ષો વાવી તેમને અનુકૂળ વન ઉછેરી શકાય છે. ઉછેર પહેલાં યોગ્ય રીતે જમીન તૈયાર કરવી, દૈનિક એકવાર પાણી આપવા સહિત વિવિધ રીતે કાળજી લેવા થી ઓછા સમયમાં ગાઢ જંગલ ઉછેરવાની સરળતા આ પદ્‌ધતિ આપે છે. જાપાનના અકિરા મિયાવાકી એ ટૂંકા ગાળામાં ઘટાદાર અને ગાઢ જંગલ ઉછેરવાના હેતુસર આ પદ્‌ધતિ વિકસાવી છે. વિશ્વના અનેક દેશોએ વનસ્પતિ શાસ્ત્રી મિયાવાકી ની આ પદ્‌ધતિ અપનાવી જંગલ નિર્માણ કર્યા છે. કહેવાય છે કે, ૧૦૦ વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ આ પદ્‌ધતિ હેઠળ ફક્ત ૧૦ વર્ષમાં ઉછેરી શકાય છે.