લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026 |
સુરત |
3267
શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ દીપ નાયકે બાબુ રાયકાનાં દિકરા રૂષિન સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવતાં રાજકીય ગલિયારામાં ભારે ચકચાર મચી છે.
ઉમરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર અંબિકા નિકેતન પાસે ગોકુલ રો-હાઉસમાં રહેતા દીપ સુરેશભાઈ નાયક શેરબજારમાં ટ્રેડિંગનું કામકાજ કરે છે. જયારે તેમના પત્ની તૃપ્તિબેન ટ્યૂશન ક્લાસ ચલાવે છે. દીપની માતા દક્ષાબેન ૧૯૮૯ની સાલથી નાનપુરા, ચોકી શેરી સ્થિત ગોવર્ધન એપાર્ટમેન્ટમાં દર્શન ગેસ સર્વિસ નામથી એજન્સી ચલાવતા હતાં. ૨૦૦૬ ની સાલમાં આ એજન્સી બંધ કરી તેઓએ દર્શન ટ્રાન્સપોર્ટ શરૂ કર્યું હતું. જેમાં તેઓએ હજીરા ખાતે ઇન્ડિયન ઓઇલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ટ્રક મૂક્યા હતાં.
વર્ષ ૨૦૨૩નાં અરસામાં દીપ નાયક સુરત શહેર કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. એ સમયે તેમને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનાં પુત્ર તથા કોંગ્રેસ કારોબારી સમિતિનાં સભ્ય રૂષિન રાયકા (રહે. વિસત બંગલો સુમન દેસાઇની વાડી ઉધના દરવાજા) સાથે સારી મિત્રતા થઈ હતી. એ સમયે દીપ નાયકને જાણવા મળ્યું હતું કે, રૂષિન રાયકા વ્યાજે નાણાં આપવાનું કામ કરે છે. ડિંડોલીનાં કરાડવા ગામે આવેલી દીપ નાયકની ભાગીદારીની ખેતી લાયક જમીનમાં ૨૦૧૮માં સુડાનાં રિઝર્વેશનમાં આવી હતી. રૂષિન રાયકા એ જણાવ્યું હતું કે,અમારી સરકારી ખાતામાં ખૂબ જ સારી ઓળખાણ છે, હું તમારી જમીન રિઝર્વેશનમાંથી મુક્ત કરાવી દઈશ. જેથી નાયકે એ જમીનનાં દસ્તાવેજાે રાયકાને બતાવ્યા હતાં.
બાદમાં રાયકાએ જણાવ્યું હતું કે, જાે તમને વઘારે જરૂર હોય તો તમને માસિક ૬ ટકા વ્યાજે નાણાં આપી શકુ એમ છું. તમારી જમીનનો નિકાલ થાય ત્યારે પરત કરી દેજાે. નાયકનાં પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી હોવાથી તેઓ વ્યાજ ઉપર નાણાં લેવા તૈયાર થયા હતાં. રાયકાએ સપ્ટેમ્બ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ સુધીનાં સમયગાળા દરમિયાન ટુકડે ટુકડે ૧,૦૫,૦૦,૦૦૦ રૂપિયા વ્યાજે આપ્યા હતાં. જેની સામે નાયકે ટુકડે ટુકડે કુલ ૧,૨૭,૦૦,૦૦૦ રૂપિયા ચુકવી દીધા હતાં. સવા ગણાં રૂપિયા આપ્યા છતાં રાયકાએ નાયક પાસેથી બીજા ૧,૯૫,૬૩,૦૦૦ રૂપિયાની વ્યાજ પેટે માંગણી કરવા માંડી હતી. વ્યાજે નાણાં આપતી વેળા રાયકાએ સીકયુરિટી પેટે નાયક પાસે છ ચેક અને તેમની પત્ની પાસે એક કોરા ચેક પર સહી કરાવી હતી. આ ચેકનો દુરુપયોગ કરી રૂષિન રાયકાએ દીપ નાયકની પત્ની તૃપ્તિનાં ચેકમાં ૧૫,૦૦,૦૦૦ રૂપિયા રકમ ભરી રીટર્ન કરાવ્યો હતો. સાથે જ દીપે આપેલા ચેકોમાં કુલ ૧,૮૦,૬૩,૦૦૦ રૂપિયા ભરી તે પણ રીટર્ન કરાવ્યા હતાં. આ રીતે કુલ ૧,૯૫,૬૩,૦૦૦ રૂપિયાના ચેક રીટર્ન અંગે રાયકાએ નાયક દંપતી સામે કોર્ટમાં ફરિયાદો કરી હતી. સાથે જ પોલીસ કેસ કરી જેલ ભેગા કરાવી દેવાની ધમકી આપવા માંડી હતી. જેથી નાયકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.