ભાજપના ચાર ઉમેદવારો ફોર્મ ભરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2026  |   3366

ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં રાજ્યસભા માટેના ઉમેદવારો અને પાર્ટીના ધારાસભ્યો વચ્ચે પરિચય તથા સંકલન માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.આ બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારોને ધારાસભ્યો સાથે પરિચિત કરાવવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા તેમજ આગામી કાર્યક્રમોની વિગતવાર માહિતી પણ ઉમેદવારો અને ધારાસભ્યોને આપવામાં આવી હતી. પક્ષના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,સંગઠન મહામંત્રી અને પ્રદેશના હોદ્દેદારો મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ બેઠકમાં રાજ્ય સભાના ૪ ઉમેદવારો રાજુભાઈ શુક્લા,મુકેશભાઈ રાઠવા,માનસિંહ પરમાર,જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના તમામ ધારાસભ્યોને સોમવારે સાંજ સુધી ગાંધીનગરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાથી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં સંકલિત અને એકજૂથ કામગીરી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ બેઠકને રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપની વ્યૂહાત્મક તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે. ઉમેદવારોને ધારાસભ્યો સાથે સીધો સંપર્ક અને સંવાદ સાધવા માટે આ પ્રકારની બેઠકનું આયોજન કરાયું હોવાનો પક્ષના નેતાઓએ ઉલ્લેખ કર્યો હતો.મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઉમેદવારો અને ધારાસભ્યો વચ્ચે ચર્ચા અને માર્ગદર્શનના સત્રો યોજાયા હતા. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી.

પક્ષના નેતાઓએ ધારાસભ્યોને ચૂંટણી સંદર્ભે જરૂરી સૂચનાઓ આપી અને દરેક તબક્કે એકજૂથ કામગીરી રાખવા માટે અનુરોધ કર્યો. રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવા સૂચના આપવી, પાર્ટીની સંયોજિત અને વ્યૂહાત્મક તૈયારીની સાક્ષી છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી સંબંધિત કાર્યક્રમો માટે વધુ માર્ગદર્શન આપવામાં આવશે.આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે ભાજપ રાજ્યસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી રહી છે અને ઉમેદવારો તથા ધારાસભ્યો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

વિજય મુર્હૂતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે

રાજ્યસભાના ચારે ઉમેદવારો આજ રોજ વિજય મુર્હૂતની અંદર પોતાની ઉમેદવારી નોંધાવશે. ભાજપ પાસે વિધાનસભાની અંદર બહુમતી હોવાને કારણે ૪ સીટ પર ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે કોઈ અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તો ઉમેદવારો બિનહરીફ થઈ જશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution