વરાછાનાં રતિ જવેલર્સમાં ટેન્ક સફાઇ દરમિયાન ચાર કર્મચારીનાં ગુંગળામણથી મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2026  |   2574

સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ પાસે આવેલ જવેલર્સનાં માલિકની બેદરકારીનાં કારણે ચાર ચાર જિંદગી હોમાઈ ગઈ હતી. સોનાનાં દાગીના મેન્યુફેક્ચરિંગનું કામ કરતા રતિ જ્વેલર્સનાં માલિકે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સાફ સફાઈ કરવા માટે ત્રણ યુવાનોને સવારે કોઈ પણ પ્રકારનાં સેફટી સાધનો વિના અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં ઉતાર્યા હતા. જાે કે તેમાં કેમિકલોથી ઉત્પન્ન થયેલા ઝેરી ગેસની અસર ત્રણેય કામદારોને થઇ હતી, આ સમયે જવેલર્સનાં મેનેજર-સુપરવાઈઝર ત્રણેયને બચાવવા માટે ટેન્કમાં ઉતરતાં તે પણ ગુંગળાઈ જતા ચારેયનાં કરુણ મોત નીપજ્યા હતાં. બનાવની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ચારેય વ્યક્તિઓને બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ ફરજ પરનાં તબીબોએ ચારેય વ્યક્તિઓને મૃત જાહેર કર્યા છે.

વરાછાનાં ખાંડબજાર વિસ્તારમાં પોદાર આર્કેડ પાસે આવેલા રતિ હાઉસમાં રતિ જ્વેલર્સ નામની પેઢી આવેલી છે. આ પેઢીમાં સોનાનાં દાગીના ગાળવાનું તથા મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જ્યારે નોકરી પૂર્ણ કરે ત્યારે તેમના હાથ, પગ તથા માથાનાં વાળમાં જે પણ સોનુ ચોંટી ગયું હોય તેના માટે હાથ પગ ધોવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આ પાણી કંપની દ્વારા બેઝમેન્ટની અંદર એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં જમા થાય છે. જેમાં આ પાણીનો છ મહિના સુધી સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ સમય જતા આ ટાંકીના પાણીનો નિકાલ કરી તળિયે બેસી ગયેલું સોનું એકત્ર કરવામાં આવે છે. આજે સવારે પણ કંપનીનાં માલિકો દ્વારા કંપનીનાં મેનેજર કમ સુપરવાઇઝર નિલેશ વિઠ્ઠલભાઈ સાવલિયા (રહે. રામકૃષ્ણ સોસાયટી બહાદુર ચોક મોટા વરાછા) અને તેમની સાથે વેડ રોડ પર રૂપલ સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય યોગેશ નાનાજીભાઈ જાદવ તથા અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર પંચશીલનગરમાં રહેતા ૨૫ વર્ષીય વિજય ભીખાભાઈ આહિરે અને પંચશીલ નગરમાં જ રહેતા ૨૪ વર્ષીય વિકાસ સંતોષભાઈ સોનવણેને કોઈપણ પ્રકારની સેફટીનાં સાધનો વગર જ ઈ્ઁ પ્લાન્ટની ટાંકી સાફ કરવા માટે કામ સોંપવામાં આવ્યું હતું. જેથી યોગેશ, વિજય અને વિકાસ ત્રણેય ટેન્કની અંદર ઓક્સિજન માસ્ક તેમજ સેફટીનાં સાધનો વગર જ સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. ટેન્કમાં પાણી સાથે મિશ્રિત કેમિકલને કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હોવાથી એક પછી એક ત્રણેય યુવકો અંદર જ ગુંગળાઇ જવાથી બેભાન થઈ ગયાં હતાં જેની મેનેજર નિલેશ સાવલિયાને જાણ થતા તે પણ ત્રણેયને બચાવવા ટેન્કમાં ઉતર્યા પરંતુ ઝેરી ગેસને કારણે તે પણ ગૂંગળાઈ જતાં બેભાન થઈ ગયા હતા. બનાવને પગલે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા અશ્વિનકુમાર ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનાં જવાનો ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લાશ્કરોએ ચારેય વ્યક્તિઓને બેભાન અવસ્થામાં બહાર કાઢી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ૧૦૮ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરનાં તબીબોએ ચારેય વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ગટર કે આવા પ્લાન્ટમાં સફાઇ કરવા બાબતે ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યાં હતાં અને તેમનું લિસ્ટ મનપાની વેબસાઇટ ઉપર મુકી છે. એટલું જ નહીં આ સર્ટિફાઇડ માણસો દ્વારા જ આ પ્રકારની જાેખમી સફાઇ કરાવવાનો આગ્રહ મહાનગર પાલિકા દ્વારા સેવવામાં આવ્યો છે.

ફાયર વિભાગને કંટ્રોલમાં ખોટી માહિતી આપવામાં આવી

રતિ હાઉસમાં રતિ જ્વેલર્સનાં માલિકો દ્વારા ટાંકી સાફ કરવા માટે ત્રણ યુવાનોને અંદર ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેનેજર પણ ટાંકીમાં જતાં ચારેય વ્યક્તિઓ અંદર જ ગૂંગળાઈ ગયા હતા પરંતુ ફાયર બ્રિગેડ કંટ્રોલ વિભાગને કોલ કરનાર વ્યક્તિએ એક વ્યક્તિ પાણીનાં ખાડાની અંદર પડી ગયો હોવાનો કોલ આપ્યો હતો. જેથી શરૂઆતનાં તબક્કામાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા માત્ર અશ્વનિકુમાર ફાયર સ્ટેશનથી ટીમ મોકલવામાં આવી હતી પરંતુ ત્યારબાદ માલુમ પડ્યું હતું કે ટાંકીની અંદર કુલ ચાર વ્યક્તિઓ ગૂંગળાઈ ગયા છે. જેથી તાત્કાલિક અન્ય ફાયર સ્ટેશનમાંથી પણ ટીમ ઘટના સ્થળે ખડકી દેવામાં આવી હતી અને ચારેય યુવકોને બેભાન અવસ્થામાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.

પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે ચારેય પરિવારોનું હૈયાફાટ રૂદન

ટાંકી સાફ કરવા જતા બનેલી દુર્ઘટનામાં એક સાથે ચાર ચાર વ્યક્તિઓની જિંદગી હોમાઈ જતા તમામનાં મૃતદેહને સ્મીમેર હોસ્પિટલનાં પોસ્ટ મોર્ટમ રૂમ પર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતા એક પછી એક એમ કુલ ચારેય મૃતકોનાં પરિવારજનો ત્યાં ભેગા થઈ જતા તમામ પરિવારોએ હૈયાફાટ રૂદન કર્યું હતું જેના કારણે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

ચાર યુવકોનાં મૃત્યુ અંગે ગુનાઇત બેદરકારી બાબતે ગુનો દાખલ કરવા પોલીસની તજવીજ

રતિ જ્વેલર્સમાં ટેન્કની સાફ સફાઇ કરવા ઉતરેલાં ચાર યુવકોનાં મૃત્યુની ઘટનામાં પોલીસ અધિકારીઓએ જ્વેલર્સ હાઉસની રૂબરૂ મુલાકાત લઇને બારીકાઇપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. પરિવારજનોએ પણ માલિકો વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની ઉગ્ર માગ કરી હતી. પોલીસે સમગ્ર બનાવનો ઘટનાક્રમ ધ્યાનમાં લઇને ગુનાઇત બેદરકારી બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ મોડી સાંજે હાથ ધરી હતી. ઓક્સિજન માસ્ક સહિતનાં સલામતિનાં સાધનો આપવાની જવાબદારી કોની હતી તે બાબતે કોઇ ફોડ પાડ્યો ન હતો. ચાર યુવાનોનાં મોતની ઘટના બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution