ચાર કેદીઓનો જેલ સહાયક પર હુમલો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026  |   1782

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલના ‘છોટા ચક્કર’ વોર્ડમાં ફરજ બજાવતા જેલ સહાયક ભરતભાઈ ચાવડા પર ચાર કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો મામલો જાેતજાેતામાં હિંસક સ્વરૂપ ધારણ કરતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મુજબ, ભરતભાઈ ચાવડા પોતાની નિયમિત ફરજ દરમિયાન વોર્ડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન ચાર કેદીઓ ઉગ્ર રીતે અપશબ્દો બોલી રહ્યા હતા. જેલના નિયમોનો ભંગ થતો જાેઈ ભરતભાઈએ કેદીઓને અપશબ્દો બોલવાની મનાઈ કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ છે કે કેદીઓએ ગાર્ડન વિસ્તારમાં પડેલા ઈંટના ટુકડા ઉઠાવી ભરતભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.

ઘટના બાદ અન્ય જેલ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત ભરતભાઈને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ પણ આરોપી કેદીઓએ પોલીસ સ્ટાફને ખુલ્લેઆમ “બહાર જાેઈ લેવાની” ધમકીઓ આપી હોવાનો આક્ષેપ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંગ્રામસિંહ શીકરવાર, સનિપ ઉર્ફે સની પટણી, લખમણ ઉર્ફે પોપટ હડિયોલ અને અંકિત લોધી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાણીપ પોલીસ સ્ટેશન દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરીથી સાબરમતી જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા, જેલમાં કેદીઓની વધતી બેફામ હરકતો અને પોલીસ સ્ટાફની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જેલની અંદર જ કેદીઓ દ્વારા જેલ કર્મચારી પર હુમલો થવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે સવાલો ઊભા કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution