લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026 |
2277
બમરોલી રોડ, ઓપેરા હાઉસની બાજુમાં કિરણ મોટર્સની ઉપર ઓફિસ ધરાવતા બિલ્ડર ભરત ભારવાનીએ દમણના કથીરીયાના ગામે સ્કાય ડેક નામનો પ્રોજેક્ટ મુક્યો હતો. બુકિંગના નામે પૈસા લેનારા બિલ્ડરે રોકાણકારો સાથે કરોડોનું ચીટિંગ કર્યું હતું. ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પીપલોદમાં જીમખાના રોડ ઉપર ઝીંઝર હોટેલ પાસે ચેવલી બંગલોમાં અરવિંદ નટવરલાલ ચેવલી તેમના પરિવાર સાથે રહે છે. ટેક્સટાઇલનો વેપાર કરતાં અરવિંદ ચેવલીને કન્સ્ટ્રક્શનનાં ધંધા સાથે સંકળાયેલા ભરત મોહનદાસ ભારવાની (ઉર્ફે ભરત સિંધી), (રહે. મોનાલીસા પાર્ક, સિટી લાઇટ રોડ, અને વિજય હરેન્દ્રલાલ મહેતા (રહે, નીતા સોસાયટી,તાડવાડી રાંદેર રોડ) સાથે ઓળખ પરિચય હતો. નવા બમરોલી રોડ ઉપર ઓપેરા હાઉસની બાજુમા કિરણ મોટર્સની ઉપર આવેલી ઓફિસમાં થયેલી મિટીંગમાં ભરત ભારવાનીએ જણાવ્યું હતું કે, તેમણે દમણ ખાતે એક સાઇડ ચાલુ કરી છે. થ્રી સ્ટાર હોટેલ અને ફ્લેટ સહિત ૧૧ માળના આ પ્રોજેક્ટમાં સસ્તા ભાવે મકાન આપવાના હોય તમો કોઈ ઇન્વેસ્ટ કરવા ઇચ્છતા હોય તો જણાવજો. ભરતની આ વાતમાં ચેવલીએ રસ દાખવ્યો હતો. ત્યારબાદ બિલ્ડર ભરતનાં કહેવાથી દમણનાં કથીરીયા ગામે સર્વે નંબર- ૭૭/૧(૪) તથા સર્વે નંબર-૭૭/૧(૫) થી નોંધાયેલી જમીન ઉપર બાંધવામાં આવનારા “સ્કાય ડે”નામની બિલ્ડિંગમાં ચેવલી અને તેના મિત્રએ ફ્લેટ બુક કરાવ્યા હતાં. ચેવલી અને મહેતાએ ૦૩ જુલાઇ, ૨૦૧૭થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ફ્લેટનાં કુલ ૧,૨૫,૬૪,૦૦૦ રૂપિયા વસૂલી લીધા હતા. બિલ્ડરે પૈસા લઇ કબજા રસીદ તો બનાવી આપી પરંતુ પ્રોજેક્ટ પુરો કરી ફ્લેટનો કબજો સોંપ્યો ન હતો. એટલું જ નહીં એ ફ્લેટ ફરી અન્યોને વેચી દસ્તાવેજ પણ કરી આપ્યાનું ચેવલીને જાણવા મળ્યું હતું. આ રીતે વિશ્વાસઘાત છેતરપિંડી કરનારા બિલ્ડર ભરત મોહન ભારવાની અને દલાલ વિજય હરેન્દ્રલાલ મહેતા સામે ચેવલીએ ફરિયાદ નોંધાવી હતી.
વિશ્વાસઘાત છેતરપિંડીના સાત ગુનાઓ અને ચેક રિટર્નના ૩૫ કેસ નોંધાયેલા છે
થ્રી સ્ટાટ હોટેલ સાથે અપાર્ટમેન્ટનું આયોજન મૂકી બુકિંગના નામે ફ્રોડ કરનારા બિલ્ડર ભરત ભરવાનીની આર્થિક ગુના નિવારણ શાખાના સબ ઇન્સપેક્ટર જે. આર. પવારે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવી વાત બહાર આવી છે કે, ભરત મોટી માયા છે. તેની સામે વિશ્વાસઘાત છેતરપિંડીના ખટોદરા, સચિન અને અઠવાલાઇન્સ પોલીસ મથકમાં સાત ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. અઠવાલાઇન્સ પોલીસે બિલ્ડરની પાસા હેઠળ અટકાયત પણ કરી છે. આ ઉપરાંત ભરત સામે ચેક રિટર્નના ૩૫ જેટલા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.