લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026 |
2079
બાય ઇન્ડિયા નામની પોતાની કંપનીમાં રોકાણ કરવાથી ૨૫ ટકા નફો આપીશું એમ કહી ૪.૭૬ કરોડનું ફ્રોડ કરનારા દારૂકા પિતા-પૂત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સિટીલાઇટ રોડ ઉપર અણુવ્રત દ્વાર પાસે સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં સંજય મહાવીરપ્રસાદ મુરારકા તેમના પરિવાર સાથે રહે છે. તેમના દૂરનાં સંબંધી પરવીન પશુપતિ દારૂકા તથા હર્ષ પરવીન દારૂકા એ વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં “બાય ઇન્ડિયા’ નામની ફેકટરી ચાલુ કરેલ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં પરવીન દારૂકાએ સંજય મુરારકાનાં ઘરે જઇ તેમની કંપનીમાં રોકાણ અંગે વાત કરી હતી. તમે જે રોકાણ કરશો તેની ઉપર ૨૫% નફો ચુકવવાનો વિશ્વાસ તથા ભરોસો તેણે આપ્યો હતો. આ મીટિંગમાં હાજર હર્ષ દારૂકા એ પણ ઉંચા વળતરનું પ્રલોભનો આપ્યું હતું. જુના સંબંધ હોય સંજય મુરારકાએ તેમની વાતમાં ભરોસો મૂક્યો અને ૨૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે તેઓએ માર્ચ-૨૦૨૫ સુધીમાં નફા સાથે ૭૬,૨૯,૩૯૫ રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત સંજય મુરારકાએ તેમની પત્ની સીમાનાં એકાઉન્ટમાંથી ૬૦ લાખ રૂપિયા પરવીન પશુપિત દારૂકા ને રોકાણ પેટે આપ્યા હતાં. જેમાં ૨૫ ટકા લેખે માર્ચ-૨૦૨૫ સુધી ૨.૨૯ કરોડ રૂપિયા તેમણે આપવાના થતાં હતાં. આ ઉપરાંત સંજય મુરારકાએ તેમની દીકરી મેઘના પાસે પણ ૨૦ લાખનું રોકાણ કરાવ્યું હતું. જેની સામે દારૂકા પિતા-પૂત્રએ ૭૬,૨૯,૩૯૫ રૂપિયા આપવાના હતાં.
ધંધામાં મૂડી તરીકે આ રોકાણ લીધા હાદ પરવીન અને હર્ષ દારૂકાએ વળતર રૂપે એકપણ રૂપિયો મુરારકા પરિવારને ચૂકવ્યો ન હતો. પૈસાની માંગણી કરાઇ તો આ પિતા-પૂત્રએ એક સાથે બધો હિસાબ કિતાબ સમજી લઈશું એમ કહી સમય પસાર કર્યો હતો. બાદમાં તેઓએ કંપનીમાં જીએસટીનો ઇશ્યુ થયો છે એમ કહી બીજા ૪૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા નહીં મળે તો ધંધામાં મોટી મુશ્કેલી સર્જાશે એમ કહી જી.એસ.ટી. ની સમસ્યા માંથી નિકળી તમારા તમામ નાણાં ચૂકવી દઈશું એવો વિશ્વા સ ભરોસો તેઓએ આપ્યો હતો.
જેથી મુરારકાએ સને-૨૦૨૧માં રોકડા ૪૫ લાખ રૂપિયા તેમને આપ્યા હતાં. ત્યારપછી વર્ષ ૨૦૨૪માં પશુપતિ દારૂકા અને તેમનો દિકરા હર્ષ સાથે મશીનરી ખરીદવા માટે અરજન્ટ જરૂર હોવાનું કહી ૩૫ લાખ રૂપિયા લઇ ગયા હતાં. આ રીતે સપ્ટેમ્બર ૨૦૧૮થી માર્ચ ૨૦૨૧ સુધીમાં મુરારકા પરિવાર પાસે પિતા પૂત્રએ ધંધામાં એક કરોડ રોકાણ લીધું અને માર્ચ ૨૦૨૫ સુધી કુલ ૩,૮૧,૪૬,૯૭૫ રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો, જ્યારે રોકડા ૮૦ લાખ મળી કુલ ૪,૭૬,૫૩,૦૦૦ રૂપિયા તેઓએ આપવાના થતાં હતાં. આ અંગે લખાણ તો તેઓએ કરી આપ્યું પંરતુ પૈસા ચૂકવ્યા ન હતાં. જેથી સંજય મુરારકાએ અલથાણમાં માન સરોવર બંગલો પાસે મીરા હોમ્સમાં રહેતાં પરવીન અને હર્ષ દારૂકા સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.