26, ફેબ્રુઆરી 2024
1782 |
ગઈકાલે અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. જેમાં આર. માધવને તાંત્રિકની ભૂમિકા ભજવી છે અને જ્યોતિકા અજય દેવગનની પત્નીની ભૂમિકામાં જાેવા મળી છે. ફિલ્મના ટ્રેલરમાં એક તાંત્રિક અજય અને જ્યોતિકાની પુત્રી જાનકી બોડીવાલા પર વશીકરણ કરીને તેને પોતાની સાથે લઇ જવા માંગે છે. પરંતુ અજય અને જ્યોતિકા આવું થવા દેવા નથી માંગતા. ત્યારે પરિવાર અને તાંત્રિક વચ્ચે થતી આ લડાઈ, શૈતાન દ્વારા કરવામાં આવેલું વશીકરણ અને એક બાપની લાચારી તમારા રૂંવાડા ઉભા કરી દેશે. જણાવી દઈએ કે, શૈતાન ફિલ્મ વર્ષ ૨૦૨૩માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે. ફિલ્મ શૈતાનના ટ્રેલર રિલીઝ દરમિયાન ફિલ્મના એક્ટર્સ અજય દેવગન, જ્યોતિકા, આર. માધવન અને જનકો બોડીવાલાએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન અજય દેવગને ફિલ્મમાં તેની પુત્રીની ભૂમિકા ભજવનાર જાનકીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જાનકીએ ફિલ્મના બધા જ એક્ટર્સને પરફોર્મન્સની બાબતે પાછળ છોડી દીધા છે. સાથે જ તેમણે જ્યોતિકા, માધવન અને તેના પુત્રની ભૂમિકા ભજવી રહેલા ચાઈલ્ડ એક્ટર ધ્રુવ વિશે પણ વાત કરી હતી. ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલે જણાવ્યું કે, અજયે તેમને આ ફિલ્મ ડિરેક્ટ કરવાની ઓફર આપી હતી. અજયે તેમને પૂછ્યું હતું કે શું તેઓ હોરર ફિલ્મો જુએ છે. ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને હોરર ફિલ્મોથી ડર લાગે છે. ત્યારે અજયે કહ્યું હતું કે, જાે તેઓ હોરર ફિલ્મોથી ડરે છે તો તે બેસ્ટ વાત છે. હવે શૈતાનનું નિર્દેશન તેઓ જ કરશે. વિકસે વધુમાં જણાવ્યું કે, તેમણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં લેવા અંગે પહેલાંથી જ વિચારી લીધું હતું. તેમના અનુસાર જાનકીથી વધુ સારી રીતે કોઈ બીજું આ રોલને ન ભજવી શકે. ત્યારબાદ તેમણે માધવનને ફિલ્મની ઓફર આપી. તેઓ જાણે છે કે માધવન સારા એક્ટર છે અને તેઓ કઈંક કમાલ કરી દેખાડશે. ત્યારબાદ જ્યોતિકાને ઓફર આપવામાં આવી અને પછી ધ્રુવને પણ ફિલ્મ ઓફર કરવામાં આવી. આ અંગે વિકાસે મજાકમાં કહ્યું કે, તેમને ધ્રુવ પાછળ ખૂબ ભાગવું પડ્યું હતું.