આજથી અધિક માસઃ વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે, જાણો શુભ મુહૂર્ત  
18, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર-

શ્રાદ્ધ પક્ષ પૂરો થવા સાથે તા. ૧૮ સપ્ટેમ્બરથી અધિક માસનો પ્રારંભ થાય છે. ભક્તિની સાથે સાથે સુખ- વૈભવમાં વૃદ્ધિ કરવા માટે ઘણાં શુભ યોગ અને મુહૂર્ત છે. અધિક માસમાં જ્વેલરી, વાહન, મિલકત, ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ, કપડાં, સહિત તમામ પ્રકારની ખરીદી માટે કોઈ મનાઈ નથી અને મિલકત ખરીદીના સંદર્ભમાં ફક્ત કાગળ- દસ્તાવેજી કાર્યવાહી કરવાની રહેશે. આ ખરીદી માટે ચાલુ વર્ષે અધિક માસમાં ૨૫થી વધુ શુભ દિન છે.

ઉજ્જૈનના એક પ્રખર જ્યોતિષીના જણાવ્યાનુસાર, અધિક માસમાં વિવાહ, દેવસ્થાપન, યજ્ઞોપવિત, સકામ યજ્ઞા, વગેરે જેવા શુભ કાર્યો કરવા માટે શાસ્ત્રોમાં નિષેધ કરાયો છે. આધુનિક સુખ- સુવિધાની ચીજવસ્તુની ખરીદી માટે નિષેધ અંગે કોઈ ઉલ્લેખ નથી. અધિક માસમાં લગ્ન નક્કી કરવું, સગાઈ નક્કી કરવી, જમીન, મકાન- મિલકતની ખરીદી કરવાનું પણ નક્કી કરી શકાય છે.

સર્વાર્થ સિદ્ધ યોગ- આ યોગ તમામ મનોકામના પૂર્ણ કરનાર આ યોગ છે અને સર્વ કાર્યોમાં સળફતા મળે છે. તા. ૯, ૨૬ સપ્ટેમ્બર, ૧, ૪, ૬, ૭, ૯, ૧૧, ૧૭ ઓક્ટોબરે આ યોગ રહેશે.

દ્વિપુષ્કર યોગ- જ્યોતિષમાં દ્વિપુષ્કર યોગનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે, આ યોગમાં કરેલ તમામ કાર્યોનું બમણું ફળ મળે છે. તા.૧૯ અને ૨૭ સપ્ટેમ્બરે આ યોગ છે.

અમૃતસિદ્ધ યોગ – અમૃત સિદ્ધ યોગ અંગે જ્યોતિષ ગ્રંથોની માન્યતા છે કે, આ યોગમાં કરેલ કાર્યોનું ફળ દીર્ઘકાલીન હોય છે.

પુષ્ય નક્ષત્ર – અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર આવે છે. ૧૦ ઓક્ટોબરે રવિ પુષ્ય અને ૧૧ ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર છે. આ બંન્ને દિવસે કોઈપણ શુભ કાર્યો કરી શકાશે.

ધ્રુવ સ્થિર મુહૂર્ત– તા.૧૮, ૨૬ સપ્ટેમ્બર, તા. ૭,૧૫ ઓક્ટોબર અને તમામ રવિવાર શિક્ષણ સંબંધિત ખરીદી, રોકાણ અંગેના કામકાજ, જ્વેલરી બનાવવા, શપથ ગ્રહણ અને હોદ્દો સંભાળવા માટે શુભ

ચર- ચલ મુહૂર્ત– તા. ૨૦,૨૭, ૨૮, ૨૯ અને તા. ૩૦ સપ્ટેમ્બર, તા. ૧૦ ઓક્ટોબર અને તમામ સોમવાર મોટરકાર, બાઈક, સહિત વાહનની ખરીદી કે બુકિંગ માટે શુભ રહેશે.

ઉગ્ર, ક્રુર મુહૂર્ત – તા. ૨૫, ૩૦ સપ્ટેમ્બર, તા. ૫, ૧૩, ૧૪, ઓક્ટોબર અને તમામ મંગળવાર શસ્ત્રની ખરીદી અને બુકિંગ કરી શકાશે. મિશ્ર, સાધારણ મુહૂર્ત – ૨૧ સપ્ટેમ્બર, ૬ ઓક્ટોબર અને તમામ બુધવારે માંગલિક કાર્યો માટે શુભ

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution