09, જુલાઈ 2025
1386 |
અમદાવાદ મોંઘીદાટ અને કિંમતી વસ્તુઓ ખરીદવા માટે ગઠિયાએ નવો કીમિયો શોધી કાઢ્યો હતો. ઑનલાઇન પેમેન્ટનો ફેક મેસેજ કે સ્ક્રીનશોટ બતાવીને ગઠિયો ખરીદી કરી પલાયન થઈ જતો. જાે કે આખરે આ ગઠિયાની પોલ ખુલ્લી પડી ગઈ અને પોલીસના હાથે ઝડપાઈ ગયો. પોલીસ સકંજામાં ઊભેલા આ શખ્સનું નામ સુદર્શન યુવરાજ રેડી છે. મૂળ બેંગલોરનો રહેવાસી આ ગઠિયાની દરિયાપુર પોલીસે ધરપકડ કરી છે. મોંઘીદાટ વસ્તુઓ પહેરવાના શોખીન આ ગઠિયાએ વગર પૈસાએ ખરીદી માટે નવો કીમિયો શોધી કાઢ્યો હતો. આરોપી કોઈ પણ જગ્યા પરથી કપડાં, બૂટ કે અન્ય કોઈ પણ બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ ખરીદતો અને બાદમાં ઑનલાઇન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો. ઑનલાઇન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ન હોય તો પણ બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીનશોટ એડિટ કરી વેપારીને બતાવીને પેમેન્ટ કરી દીધું હોવાનો વિશ્વાસ અપાવી ખરીદી કરી પલાયન થઈ જતો હતો. ક્યારેક આરોપી મોટી રકમના પેમેન્ટ કરવા માટે રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવાનું કહેતો અને તેના બીજા નંબરથી બેંકના મેસેજમાં રકમ એડિટ કરી વેપારીને મોકલી આપતો. જેથી વેપારીને ઑનલાઇન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો વિશ્વાસ અપાવતો હતો. પકડાયેલ આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સમાંથી દોઢ તોલાની સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી હતી. જાે કે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થયા હોવાની જાણ થતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી છે. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. જ્યારે વસ્ત્રાપુરમાં પણ તેણે લેપટોપ ખરીદી છેતરપિંડી આચરી છે. આરોપી કોઈપણ વેપારીને વિશ્વાસમાં લેવા માટે પોતે મોટાભાગે અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કરતો હતો. જાે કે તે જે પણ શહેરમાં જાય ત્યાં હોટલમાં રોકાયા બાદ ત્યાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી પેમેન્ટ કરતો હતો અને જાે કોઈ જગ્યાએ તેની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવી આશંકા જાય તો પછીથી આવીને વસ્તુ ખરીદશે તેમ કહીને ત્યાંથી નીકળી જતો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. જાે કે તપાસ દરમિયાન હજી પણ અનેક ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.