લોકસત્તા ડેસ્ક

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો શારીરિક અને માનસિક બંને રૂપે સ્વસ્થ બને. હાલમાં બાળકોને મોટાભાગે ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે બાળકોની ફિઝિકલ એક્ટિવિટી પર પણ ધ્યાન આપવામાં આવે. આ સમય દરમિયાન બાળકને નિયમિત રીતે યોગની પ્રેક્ટિસ કરવામાં આવે તો એ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આપને જણાવી દઇએ કે યોગાથી બાળકોની એકાગ્રતા વધે છે.

યોગમાં ધ્યાન કરવાના ઘણા બધા પ્રકાર હોય છે, જેમાં કોઈ પણ વ્યક્તિને થોડી વાર માટે શાંત રહેવું પડે છે. આથી યોગ કરવાથી બાળકોની એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો છે. આના કારણે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. ભણતર કે અન્ય કોઇ કારણોસર બાળકો તણાવની ઝપેટમાં આવી જાય છે. જોકે રોજ યોગ કરવાથી બાળકોની માનસિક સ્થિતિ મજબૂત બને છે અને સાથોસાથ તેનાથી અસ્થમા, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવી મુશ્કેલીઓમાંથી પણ દૂર રહે છે.

બાળકોને રોજે રોજ પ્રાણાયમ, ભુજંગાસન, વૃક્ષાસન તાડાસન, નટરાજન જેવા આસનો કરવાથી બાળકોના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસમાં પણ વૃદ્ધિ થશે. મોબાઈલ, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાથે રહેવાને લીધે બાળકોનો શારીરિક એક્ટિવિટીમાં રસ ઘટી જાય છે. યોગ કરવામાં સરળ હોય છે. અને નિયમિત રીતે યોગ પ્રેક્ટિસ કરવાથી બાળકોનું શરીર સ્થિતિસ્થાપક બની જાય છે.

બાળકોને નિયમિત સૂર્યનમસ્કાર,ધનુરાસન, સર્પાસન, ગૌમુખાસન, તાડાસન, સવાસન જેવા આસન કરવાથી બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.

સામાન્ય રીતે પુખ્તવયના લોકોમાં યોગ શીખવાનો અને યોગ કરવાનું વલણ જોવા મળે છે. જો કે યોગ શીખવાની સાચી ઉમર છ થી આઠ વર્ષની છે. કારણ કે ત્યારે હાડકાં અને સ્નાયુ નરમ હોય છે. તેમને જે તરફ પણ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6 થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેમને ખૂબ ફાયદો થાય છે.

જો બાળક યોગ કરતું હોય તો હંમેશા વડીલને દેખરેખમાં કરો. છ વર્ષ સુધીના બાળકોને એક યોગાસન એક મિનિટથી વધુ ન કરવો. બની શકે તો સવારે યોગ કરો.