જૂનાગઢ-

ગરવા ગિરનારની લીલી પરિક્રમાને પણ આ વર્ષે કોરોનાનું ગ્રહણ લગ્યું છે. કોરોનાને પગલે આ વર્ષે લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી છે. જાેકે, પરંપરા તૂટે નહીં તે માટે ગતરાત્રે પરિક્રમાના ગેટ પાસે પૂજન વિધિ કરી પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ૧૦ લાખથી વધુ ભાવિકો જૂનાગઢ આવતા હોય છે. ભાવિકો અહીં ગિરનાર અભ્યારણ્યમાં અતિ કઠીન એવી ૩૬ કિલોમીટરની પરિક્રમા ચાલીને કરતા હોય છે. લોકો ત્રણ રાત અને ચાર દિવસ સુધી ચાલીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. આ વર્ષે કોરોનાને કારણે આ પરંપરા તૂટી છે. વર્ષોથી ચાલી આવતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ જળવાઈ રહે તે માટે સાધુ સંતો અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા દેવ દિવાળીની મધ્ય રાત્રીએ પરંપરા મુજબ પરિક્રમા શરૂ થાય છે તેના ગેટ પાસે ભગવાન દતાત્રેયનું પૂજન અને શ્રીફળ વધેરીને શુકન કરવામાં આવ્યું હતું.

જે બાદમાં માત્ર ગણ માન્ય ૨૫ લોકોને પરંપરા ન તૂટે તે માટે પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવી હતી. આ પ્રતીકાત્મક પરિક્રમામાં મેયર, કલેકટર, કોર્પોરેશનના કમિશનર, વરિષ્ઠ સાધુ-સંતો અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર તેમજ સાધુ-સંતોએ કોઈ ભાવિક પરિક્રમા કરવા ન આવે તેવી અપીલ કરી હતી. નોંધનીય છે કે, ગિરનારને કેન્દ્રમાં રાખીને તેની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવા ગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે.

આમ જાેઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુ પ્રમાણમાં જાેવા મળે છે. એક મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન અને બીજું ગિરનારની લીલી પરિક્રમા વખતે. લીલી પરિક્રમા કરીને પુણ્યનું ભાથું મેળવવા માટે ગુજરાતનાં લગભગ તમામ શહેરો અને ગામડાંઓમાંથી દર વર્ષે જૂનાગઢ ખાતે કીડીયારાની જેમ ઉભરાય છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ જાેવા મળે છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુંઓથી ભરાયેલી હોય છે. જાેકે, આ વર્ષે લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.