જાે, ભૂલથી પણ હુમલો કર્યો તો દુનિયાના નકશા પરથી નામોનિશાન મિટાવી દઈશું! 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2026  |   1485

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના ભયાનક વાદળો ઘેરાયા છે, જ્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ૪ જુલાઈથી શરૂ થઈને ૯ જુલાઈ સુધી તેહરાન, કોમ અને ઇરાક થઈને તેમના વતન મશહાદ સુધી ચાલનારી આ મહા-અંતિમયાત્રા દરમિયાન અમેરિકા અને ઈઝરાયલ મોટો સૈન્ય હુમલો કરી શકે છે તેવો ડર ઈરાનને સતાવી રહ્યો છે. આ આશંકા વચ્ચે ઈરાની સત્તાવાળાઓ અને લશ્કરી કમાન્ડરોએ કોઈ પણ પ્રકારની ઢીલાશ ન રાખતા દુશ્મન દેશોને ખુલ્લી અને અત્યાર સુધીની સૌથી આક્રમક સૈન્ય ચેતવણી આપી દીધી છે કે જાે અંતિમ સંસ્કાર દરમિયાન સહેજ પણ હિલચાલ થઈ, તો ઈરાનનો વળતો પ્રહાર વિનાશક અને ન ભૂતો ન ભવિષ્યતિ જેવો હશે. ઈરાનની સૈન્ય શક્તિના કેન્દ્ર સમાન ‘ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’ ના કમાન્ડર મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર એક સનસનીખેજ નિવેદન જારી કરતા જણાવ્યું છે કે શનિવારથી શરૂ થતાં રાષ્ટ્રીય શોકના આ સમયગાળા દરમિયાન ઈરાનના દુશ્મનોએ કોઈપણ પ્રકારની ગેરસમજમાં રહેવાની જરૂર નથી. તેમણે ગર્જના કરતા કહ્યું કે ઈરાની સેના અને રાષ્ટ્રના બહાદુર સપૂતો કોઈપણ ધમકી કે હવાઈ હુમલાનો જડબાતોડ અને પસ્તાવો કરવા મજબૂર કરી દે તેવો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.


અંતિમસંસ્કારવિધિમાં પુત્ર મુજતબા સામેલ નહીં થાય

ઈરાનના પૂર્વ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેની સુરક્ષાના કારણોસર તેમના પિતાની અંતિમવિધિમાં સામેલ નહીં થાય. આ માહિતી ઈરાનના સુપ્રીમ લીડરના એક પ્રતિનિધિના હવાલાથી સામે આવી છે. સુરક્ષા એજન્સીઓને ઇઝરાયલી હુમલાનો ડર છે, તેથી તેમણે મુજતબાને અંતિમ સંસ્કાર સમારોહથી દૂર રહેવાની સલાહ આપી છે. આ અંગે હજુ સત્તાવાર માહિતી શેર કરી નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution