મહાશિવરાત્રિ મેળા માટે સરકાર સંપૂર્ણ સજજ સાધુઓની રવેડીનો રૂટ વધારાયો : હર્ષ સંઘવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જાન્યુઆરી 2026  |   2574

ગાંધીનગર, આગામી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાનારા ભવનાથ મહાદેવના ઐતિહાસિક મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સાધુ સંતો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી ગુજરાતનાં સૌથી મોટા ધાર્મિક મેળાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન માટે દર વર્ષે અનેક વર્ષોથી દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને આ વર્ષે વ્યવસ્થાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવામાં આવી છે. બેઠકમાં મુખ્યત્વે શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સરળ અવરજવર માટે શું વધુ સારું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે મેળાના રૂટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નાગા સાધુઓની રવેડી (યાત્રા)ના રુટ વિસ્તારમાં અંદાજે ૫૦૦ મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે, જેથી ભીડનું સંચાલન સરળ બને અને દર્શનાર્થીઓને કોઈ અસુવિધા ન થાય. આ સાથે સરકાર દ્વારા વધારાની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહાશિવરાત્રિના ભવનાથના મેળાની સુરક્ષા વ્યવસ્થા અંગે ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે આશરે ૧૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાતા હતા, જ્યારે આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ૨૯૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, ભીડ વ્યવસ્થાપન અને સેવાકાર્ય માટે ૧૦૦૦થી વધુ સ્વયંસેવકો પણ ખડેપગે કાર્યરત રહેશે. મેળામાં આવનાર સંતો અને ભક્તોની રહેવા-જમવાની વ્યવસ્થાઓ અંગે પણ વિશેષ આયોજન કરાયું છે. આશરે ૩૦૦ જેટલા ઉતારાઓમાં જમવાની વ્યવસ્થા કરાઇ છે. સાથે જ, પીવાના પાણીની નવી અને પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ સમયે પાણીની અછત ન સર્જાય.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution