લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, નવેમ્બર 2024 |
13266
ગાંધીનગર ગુજરાતમાં નવી જંત્રીના દર મામલે તેમજ બિન ખેડૂત દ્વારા ખાતેદારની જમીન ખરીદવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના આઇઓરા પોર્ટલ અંતર્ગત મહેસૂલ વિભાગની સેવાઓના ફિડ બેક માટે ફિડબેક સેન્ટર ઊભું કરાયું છે તે અંગેની માહિતી આપવા માટે મહેસૂલ વિભાગ અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. આ અવસરે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજયમાં નવી જંત્રીના દર અંગે તેમજ બિન ખેડૂત દ્વારા ખાતેદારની જમીન ખરીદ કરવા અંગેના મામલે સરકાર આગળ વધી રહી છે. બિન ખેડૂત દ્વારા ખાતેદારની ખેતીની જમીન ખરીદી શકે તે અંગેના રાજ્ય સરકારના પ્રસ્તાવ સંદર્ભે પૂછાયેલા એક સવાલના પ્રત્યુત્તરમાં અધિક મહેસૂલ સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, બિન ખેડૂત દ્વારા ખાતેદારની ખેતીની જમીન ખરીદી કરી શકે તે અંગેના પ્રસ્તાવના મામલે રાજ્ય સરકારે ગતિવિધિ હાથ ધરી છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા બિન ખેડૂત વ્યક્તિ ખાતેદારની ખેતીની જમીન ખરીદ કરી શકે તેવા પ્રસ્તાવ અંગે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી તેનો અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને પોતાના પ્રતિભાવ રજૂ કરશે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર પોતાનો ર્નિણય કરશે. જ્યારે નવી જંત્રીના દર અંગેના સવાલના પ્રત્યુત્તરમાં અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજયમાં નવી જંત્રીનો મુદ્દો સરકારમાં ચર્ચાયો હતો. રાજ્ય સરકાર જંત્રીના નવા સુધારેલા દરો અંગેના નિયમોને લોકોના પ્રતિભાવો જાણવા માટે પબ્લિક ડોમેઈનમાં મૂકવામાં આવશે. અને તેના થકી નાગરિકોના પ્રતિભાવોને જાણવામાં આવશે. ત્યાર બાદ તે અંગે ર્નિણય લેવામાં આવશે.