લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, મે 2026 |
3960
તમિલનાડુમાં નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અભિનેતા-રાજનેતા વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. બીજી તરફ, તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ ને કોંગ્રેસનું સમર્થન મળી ગયું છે, જેનાથી સત્તાની રચનાનો રસ્તો સાફ થતો જણાય છે. પરંતુ રાજ્યપાલે વિજયની મુશ્કેલી વધારી દીધી છે. તેમણે ૧૧૮ ધારાસભ્યો સમર્થન સાથે પત્ર આપવાનું કહ્યું છે. હાલમાં ટીવીકેએ એઆઇએડીએમકેના ગઠબંધનના પ્રસ્તાવને હોલ્ડ પર રાખ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિજયે હજુ સુધી ૧૧૮ ધારાસભ્યોના સમર્થનનો પત્ર જમા કરાવ્યો નથી. તેમણે મૌખિક રીતે જણાવ્યું છે કે તેમની પાસે બહુમતી માટે જરૂરી સંખ્યા હાજર છે. માહિતી મુજબ, ટીવીકેએ રાજ્યપાલને ૧૦૭+૫ એટલે કે ૧૧૨ ધારાસભ્યોના હસ્તાક્ષર વાળો પત્ર સોંપ્યો હતો. પરંતુ તેના પર રાજ્યપાલે કહ્યું, ૧૧૮ની સહીવાળા પત્ર સાથે પાછા આવો. ટીવીકેએ આ માટે થોડો સમય માગ્યો છે. કોંગ્રેસ, જે લાંબા સમયથી ડીએમકે સાથે ગઠબંધનમાં રહી છે તેણે હવે તેની સાથે છેડો ફાડીને વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના તમિલનાડુ પ્રભારી ગિરીશ ચોડનકરે કહ્યું કે આ ર્નિણય જનતાના જનાદેશનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો છે. જાે કે કોંગ્રેસે ટીવીકેને સમર્થન આપતી વખતે શરત મૂકી છે કે બંધારણમાં વિશ્વાસ ન રાખતી સાંપ્રદાયિક શક્તિઓને ગઠબંધનથી દૂર રાખવામાં આવે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ૧૧૮ બેઠકોની જરૂર છે. હાલમાં ટીવીકે પાસે ૧૦૭ ઉપરાંત કોંગ્રેસના ૫ ધારાસભ્યોનું સમર્થન છે. સરકાર રચવા માટે હજુ પણ ૬ વધારે ધારાસભ્યોનું સમર્થન લેવું પડે તેમ છે. ે
વિજયને અટકાવવા જાની દુશ્મનો એક થશે?
થલાપતિ વિજયની પાર્ટી શપથગ્રહણ સમારોહની તૈયારીઓ કરી રહી છે, તો બીજીતરફ વિજયને અટકાવવા માટે DMK અને AIADMK જેવી એકબીજાના કટ્ટર વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધન થવાની અટકળો શરૂ થઈ ગઈ છે. અટકળો મુજબ, એમ.કે.સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી અને કે.પલાનિસ્વામીની ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી ગઠબંધન કરવાની તૈયારીમાં છે.