ગુજરાત સરકારના 'બેગલેસ ડે' નિર્ણયનો પ્રથમ શનિવારે જ ફિયાસ્કો
05, જુલાઈ 2025 વડોદરા   |   5445   |  

વડોદરાની અનેક શાળામાં વિદ્યાર્થીઓ બેગ સાથે દેખાયા

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શનિવારને 'બેગલેસ ડે' (BAGLESS DAY - SATURDAY) તરીકે જાહેર કરવાના નિર્ણયનો આજે, તેના અમલના પ્રથમ શનિવારે જ, જાણે સુરસુરિયો થઈ ગયો હોય તેવા દ્રશ્યો વડોદરા શહેરમાં જોવા મળ્યા છે. કારેલીબાગ સ્થિત બ્રાઇટ ડે સ્કૂલ (BRIGHT SCHOOL, VADODARA) માં મોટાભાગના વિદ્યાર્થીઓ આજે શનિવારે પણ પોતાની સ્કૂલ બેગ સાથે જ શાળાએ પહોંચ્યા હતા, જે સરકારી આદેશના ઉલ્લંઘન સમાન છે.

'પરિપત્ર મોડો મળ્યો': આ અંગે મીડિયા દ્વારા બ્રાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક સાધવામાં આવતા, તેમણે દાવો કર્યો કે તેમને શિક્ષણ વિભાગ તરફથી આ અંગેનો પરિપત્ર મોડો મળ્યો હોવાથી આજે આ નિર્ણયની અમલવારી કરી શક્યા નથી. જોકે, આ ઘટના વડોદરાના શિક્ષણાધિકારીઓની શાળાઓ પરની પકડના અભાવ અને શાળા સંચાલકોની બેફામતા સ્પષ્ટપણે દર્શાવે છે, જેઓ સરકારના નિર્ણયોનું પાલન કરવામાં બેદરકાર જણાઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓએ મીડિયાને જણાવ્યું કે તેમને શાળા તરફથી બેગ વગર આવવા અંગે કોઈ જ જાણકારી આપવામાં આવી ન હતી. બીજી તરફ, વાલીઓએ સરકારના આ નિર્ણયને "ખૂબ સારો" ગણાવ્યો હતો, પરંતુ તેની યોગ્ય અને સમયસર અમલવારી થશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભણતરના ભારને હળવો કરવા માટે શનિવારે શાળાઓમાં 'બેગલેસ ડે' નો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જેની શિક્ષણજગતમાં વ્યાપક સરાહના થઈ હતી. જોકે, તેના પ્રથમ દિવસે જ થયેલા આ અમલીકરણના અભાવે, આ યોજનાની સફળતા અને સરકારના નિયમન પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution