બોર્ડ નિગમના કર્મચારીનું લઘુત્તમ પેન્શન ₹9,000 કરાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, સપ્ટેમ્બર 2025  |   ગાંધીનગર, ગુજરાત   |   159489

ગુજરાત સરકારે રાજ્યના બોર્ડ અને કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા હજારો પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે પેન્શનરોને સાતમા પગારપંચ મુજબ લઘુત્તમ પેન્શન કરતા ઓછી રકમ મળતી હતી, તેમને હવે માસિક ઓછામાં ઓછું ₹9,000 પેન્શન મળશે. નાણા વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ પણ બહાર પાડવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણયનો સીધો ફાયદો એવા કર્મચારીઓને થશે જેઓ અગાઉ રાજ્ય સરકારની સેવામાં હતા અને બાદમાં બોર્ડ કે કોર્પોરેશન જેવા જાહેર સાહસોમાં સ્થાયી થયા હતા અને હવે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. આ પેન્શનરો લાંબા સમયથી લઘુત્તમ પેન્શનમાં વધારો કરવા માટે રજૂઆતો કરી રહ્યા હતા, અને કેન્દ્ર સરકારના સમાન નિર્ણયને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે.

નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવ મુજબ, આ એબ્ઝોર્બ પેન્શનરોને 1 ઓક્ટોબર, 2025 થી આ લાભ મળવાનું શરૂ થશે. આ તારીખ પહેલાના સમયગાળા માટે આ લાભ 'નોશનલ' ગણવામાં આવશે, જેનો અર્થ એ છે કે પાછલા સમયનું કોઈ એરિયર્સ ચૂકવવામાં આવશે નહીં. રાજ્યપાલના આદેશથી બહાર પાડવામાં આવેલા આ ઠરાવની નકલ તમામ સંબંધિત વિભાગો અને કચેરીઓને મોકલી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution