અમદાવાદ-

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સક્ર્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત ૩ દિવસ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સાંજ અને રાતના સમયે મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો રાજ્યના ૧૪૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો ૧૯.૭૨ ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો ગઈકાલ સુધીમાં કુલ ૧૯.૩૧ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ ૨૩.૨૯ ટકા વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો ૧૭.૮૭ ટકા વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો ૧૮.૮૬ ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો ૧૯.૯૭ ટકા જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ ૧૯.૪૬ ટકા વરસાદ થયો છે.