ગુજરાતીનુ ગૌરવ ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મ જયંતિ 
28, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મ જયંતિ છે. તેમણો જન્મ 28-8-1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો પરંતુ તેમનુ મૂળ વતન અમરેલી જિલ્લાના બગસરા હતુ.  પિતા પોલીસ એજન્સીના અમલદાર હોવાથી બદલીના કારણે મેઘાણીજીના પરિવારે સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ વસવાટ કર્યો હતો. તેથી તેમને  સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં અભ્યાસ કર્યો, અને ઝવેરચંદ મેઘાણીજીના અભ્યાસનો પ્રારંભ રાજકોટથી થઈ અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પૂર્ણ થયો હતો. માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવામાં ઝવેરચંદ મેઘાણીનું ખૂબ મોટુ પ્રદાન રહેલુ છે. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યમાં ઘણી અદભુત રચનાઓ કરી છે. ઝવેરચંદ મેઘાણીના જન્મથી તેમના જીવનસફરના છેલ્લા દિવસ સુધીમાં 88 પુસ્તકો તેમને લેખન કર્યા હતા. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કવિ, લેખક, પત્રકાર વિવેચક અને લોકસાહિત્ય સહિત સંશોધક અને સંપાદક જેવી લોકપ્રતિભા ધરાવતા હતા.

દાયકાઓથી સાહિત્ય ક્ષેત્રે લોકચાહના ધરાવનાર ઝવેરચંદ મેઘાણીની રચનાઓ પાળિયાને પણ બેઠા કરે તેવી છે. જેમાં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયો, સોરઠી સંતો, માણસાઈના દિવા, ધરતીનું ધાવણ જેવી અનેક રચનાઓ કરી છે.દુર્લભ અને ઐતિહાસિક સાહિત્યનું સંકલન કરવાનું શ્રેષ્ઠ કાર્ય તેમને ગામડાઓથી પૂર્ણ કર્યું છે. ઝવેરચંદ મેઘાણી M.Aનો અભ્યાસ અધૂરો છોડી તેઓ કલકત્તા ખાતે જીવણલાલ એન્ડ કમ્પનીની પેઢીમાં નોકરી સ્વીકારી હતી. બંગાળી ભાષા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરજીના સંપર્કમાં આવ્યા હતા, ત્યાર બાદ અનેક બંગાળી ગીતોનું ગુજરાતી ભાષાંતર અને ભાવાનુવાદ કરી રવિન્દ્ર વીણા નામનો કાવ્યસંગ્રહ ભાવિ પેઢીને આપીને ગયા છે. સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા બાદ "સૌરાષ્ટ્ર" અને " ફૂલછાબ" અખબારમાં સૌ પ્રથમ પત્રકાર અને બાદમાં તંત્રી તરીકેની પ્રશંસનીય કામગીરી બજાવી હતી. આ કામગીરી દરમિયાન તેમને પત્રકાર જગતમાં એક અલગ ભાત ઉભી કરી હતી. ઝવેરચંદ મેઘાણીનું વ્યાખ્યાન અને રાજકવિના શબ્દો બાદ મેઘાણીજીએ કહ્યું " હું તો ટપાલી છું"

તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે કાવ્ય 6 સંગ્રહ, 13 નવલકથા, 7 નવલિકા, 13 જીવન ચરિત્ર, એમ ઘણુ બધુ સાહિત્ય રચ્યું છે, અને તેમાંથી સૌથી વધુ પ્રખ્યાત, ડોશીમાની વાતો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયા, કંકાવટી, દાદાજીની વાતો, સોરઠી સંતો, સોરઠી ગીતકથાઓ, પુરાતન જ્યોત, રંગ છે બારોટ, સત્યની શોધમાં, નિરંજન, વસુંધરાનાં વહાલાં દવલાં, સોરઠ, તારાં વહેતાં પાણી, સમરાંગણ, અપરાધી, વેવિશાળ, રા' ગંગાજળિયો‎, બિડેલાં દ્વાર, ગુજરાતનો જય, તુલસી-ક્યારો, ગુજરાતનો જય, પ્રભુ પધાર્યા, કાળચક્ર, ચારણ-કન્યા, લમાળ, કોડિયું, છેલ્લી પ્રાર્થના, મોર બની થનગાટ કરે, ઘણ રે બોલે ને, છેલ્લો કટોરો, ઝાકળબિંદુ કવિતા અને અનેક રચનાઓ આજે પણ મેઘાણીને નજર સામે ઉભા કરી દે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution