નાના ભાઈની ઊંઘ ઉડાડી ભેંસો ચરાવવા જવાનું કહેવું પડ્યું ભારે, ઉશ્કેરાયેલા ભાઈએ ધોકાના ફટકા મારી હત્યા કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, મે 2026  |   693

ઊંઘમાં ખલેલ પડતાં માણસ કેટલો હિંસક બની શકે છે તેનો એક કરુણ કિસ્સો દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે પ્રકાશમાં આવ્યો છે. ભેંસો ચરાવવા જવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં નાના ભાઈએ પોતાના સગા મોટા ભાઈના માથામાં લાકડાનો ધોકો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બનાવ અંગે માતાએ પોતાના જ નાના પુત્ર વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે હત્યા ની ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગત અનુસાર, ગત તારીખ ૨૬ એપ્રિલના રોજ સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં હરખજીના મુવાડા ગામે નિશાળવાળા વાસમાં રહેતો અર્જુનસિંહ ઉર્ફે મેહુલ ભીખુસિંહ ચૌહાણ ઊંઘી રહ્યો હતો. આ દરમિયાન તેના મોટા ભાઈ કરણસિંહ ઉર્ફે મોન્ટુએ તેને જગાડીને ભેંસો ચરાવવા જવા માટે કહ્યું હતું.જાેકે મેહુલે થોડીવાર પછી જવાનું કહેતા બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. અને મામલો વધુ બિચકતા મેહુલે પાસે પડેલો લાકડાનો ધોકો કરણસિંહના માથામાં ઝીંકી દીધો હતો.જેના કારણે માથામાં ગંભીર ઈજા થતાં કરણસિંહને તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જાેકે પરિવારજનોએ પોલીસ સમક્ષ સાચી હકીકત છુપાવી હતી. એ વખતે પિતા ભીખુસિંહે પોલીસને જણાવ્યું હતું કે કરણસિંહ એક્ટિવા પરથી પડી જતાં તેને ઈજા થઈ છે. ત્યારબાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution