19, જુન 2024
1188 |
લેખકઃ દીપક આશર |
શોલે ફિલ્મનો એક સંવાદ છે. ગબ્બર તેનાં સાગરિતો સામે એક ખેલ ખેલે છે. ગબ્બર હાથમાં રિવોલ્વર પકડીને એલાન કરે છે કે - ઈસકે તીન ખાનોં મેં ગોલી હૈ, તીન ખાલી હૈ. અબ હમ ઈસ કો ઘૂમાયેંગે. અબ કહાં ગોલી હૈ, કહાં નહીં હૈ, હમ કો નહીં પતા. ઈસ રિવોલ્વર મેં તીન જિંદગી, તીન મોત બંધ હૈ. દેખેં કિસે ક્યા મિલતા હૈ? ગબ્બરે જે ખેલ ખેલ્યો હતો તેનું નામ છે રશિયન રુલેટ. આ એક ખતરનાક ખેલ છે. આ ખેલનો ખેલાડી પોતાની જિંદગી સાથે ખેલ ખેલે છે. તે રિવોલ્વરમાં એક ગોળી નાખે છે. રિવોલ્વરનું સિલિન્ડર ફેરવે છે. પછી રિવોલ્વરને પોતાના લમણે તાકીને ટ્રીગર દબાવે છે. આગળ તેની કિસ્મત. જાે ખાલી ચેમ્બર હોય તો જીવ બચી જાય અને ન કરે નારાયણને એ જ ચેમ્બરમાં ગાળી ભરેલી નીકળે તો ખેલ ખતમ. આજે અહીં એવી જ એક કહાની. આ એવો જ એક ખતમ થઈ ગયેલાં ખેલનો કિસ્સો.
૬૬ વર્ષનો એક પુરુષ હતો. બેહદ કામિયાબ અને અમીર હતો, પણ તેની હરકતો ભ્રમિત કરી દે તેવી હતી. એક દિવસ તે પોતાનો દેશ છોડીને ભાગી ગયો હતો. જે દેશમાં વસ્યો ત્યાંની સરકારે આરોપ મૂક્યો કે, આ અમારાં દેશમાં પ્રાઇવેટ આર્મી બનાવીને ડ્રગ્સની તસ્કરી કરી રહ્યો છે! એક પત્રકારને આ સ્ટોરીમાં રસ પડ્યો અને ખરેખર સરકાર જે કહી રહી છે, તેમાં કેટલું તથ્ય છે તે જાણવા નીકળી પડ્યો હતો. પત્રકાર આ આરોપીનો ઇન્ટરવ્યૂ લેવાં સીધો તેનાં ઘરે પહોંચી ગયો હતો.
ડ્રોઇંગ રૂમમાં બંને આમને-સામને બેઠાં હતાં. એ વખતે પેલાં કારોબારીએ એક રિવોલ્વર કાઢી, તેમાં એક બૂલેટ નાખી, પછી રિવોલ્વરનું સિલિન્ડર ગોળ ફેરવ્યું અને પોતાના લમણે તાકી દીધી! આ જાેઈને પત્રકારના હોંશ ઉડી ગયાં! પત્રકારે કારોબારીને તેની રિવોલ્વર નીચે મૂકવા વિનંતી કરી, પણ કારોબારી માન્યો નહીં! તેની આંખો એકધારી પત્રકારને તાકતી રહી હતી. ગભરાયેલાં પત્રકારને જાેઈને કારોબારીને જાણે નશો ચડ્યો હોય તેવું દૃશ્ય હતું. કારોબારીએ પોતાના લમણે તાકેલી રિવેલ્વરનું ટ્રીગર દબાવ્યું! પત્રકારને કાપો તો લોહી ન નીકળે તેવી હાલત. કારોબારીએ એ પછી તો સટાસટ ત્રણ વખત ટ્રીગર દવાબી દીધું હતું. બે ગોળી ભરેલી એ રિવોલ્વરનું ટ્રીગર ચાર વખત કારોબારી દબાવી ચૂક્યો હતો! હવે નક્કી હતું કે, પાંચમી વખત ટ્રીગર દબાવશે તો કારોબારીનું મોત થઈ જશે. અહીં આ કારોબારી અટકી ગયો અને બોલ્યો - હું આખો દિવસ આ ખેલ ખેલી શકું છું. હજારો વખત આ ખેલ ફરી ફરીને રમી શકું છું. મને ક્યારેય કંઈ નહીં થાય.
થોડાં મહિનાઓ પહેલાં જ ખબર આવી હતી કે આ જ કારોબારી જેલની કોઠડીમાં મૃત અવસ્થામાં મળ્યો હતો! આ શખસનું નામ હતું - જ્હોન મૈકાફી. તમે પણ સાંભળ્યું હશે! કમ્પ્યૂટર સિક્યોરિટી સોફ્ટવેર બનાવતી એક અમેરિકન કંપની છે મૈકાફી કોર્પોરેશન. આ કંપનીનો આ શખસ ફાઉન્ડર હતો. વિશ્વ આખું જ્હોન મૈકાફીને કમ્પ્યૂટર એન્ટિવાયરસ સોફ્ટવેરના રચનાકાર તરીકે ઓળખે છે. તો પછી આટલાં મશહૂર અને હિંમતવાન ટેક્નોક્રેટ જેલમાં બંધ કેમ હતો? જેલમાં જ તેનું મોત કેવી રીતે થયું?
આ કહાનીની શરૂઆત પાકિસ્તાનમાં થઈ હતી. લાહોરમાં બે ભાઈઓ રહેતાં હતાં. બાસિત ફારુક અલ્વી અને અમજદ ફારુક અલ્વી. અમજદ ૨૪ વર્ષનો હતો અને બાસિત ૧૭ વર્ષનો. બંને ભાઈઓ એક કમ્પ્યૂટર સ્ટોર ચલાવતાં હતાં. બંનેએ મળીને હાર્ટના મોનિટરિંગ સાથે જાેડાયેલું એક સોફ્ટવેર બનાવ્યું હતું. થોડાં દિવસ પછી બંને ભાઈઓને થયું કે, તેની સાથે છેતરપિંડી થઈ રહી છે! કેવી રીતે? તેઓએ જે સોફ્ટવેર બનાવ્યું હતું તેની કોપી ખરીદીને લઈ જતાં ગ્રાહકો પાયરેટેડ કોપી બનાવીને વેચી રહ્યાં હતાં. અલ્વી બ્રધર્સને ગુસ્સો ચડ્યો. બંનેએ વિચાર્યું કે, આ કેવું મહેનત આપણે કરીએ અને માલ કોઈ બીજા લઈ જાય? આ બાબતને અટકાવવી પડશે.
આમ વિચારીને બંને ભાઈઓએ એક કોડિંગ કર્યું, આ કોડિંગ પ્રોગ્રામ સોફ્ટવેરને પાયરસીથી બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું. અલ્વી બ્રધર્સે આ પ્રોગ્રામને નામ આપ્યું હતું બ્રેઇન. હવે જ્યારે કોઈ યૂઝર્સ સોફ્ટવેરની પાયરેટેડ કોપી પોતાના કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરતો હતો ત્યારે સાથે વાયરસ પણ કોપી થઈ જતો હતો. એ યૂઝર્સને તેનાં કમ્પ્યૂટરમાં એક મેસેજ દેખાતો હતો, જેમાં લખ્યું હતું કે - વેલકમ ટુ ધી ડંજન કોપીરાઇટ ૧૯૮૬ બ્રેન એન્ડ અમજદ્સ (પ્રાઇવેટ) બ્રેન કમ્પ્યૂર સર્વિસિઝ, ૭૩૦ ઇઝનામી બ્લોક, અલ્લમા ઈકબાલ ટાઉન, લાહોર, પાકિસ્તાન. બીવેર ઓફ ધીસ વાયરસ. કોન્ટેક્ટ અસ ફોર ધી વેક્સિનેશન...
અલ્વી બ્રધર્સે કોડિંગમાં પોતાનું નામ, સરનામું બધું જ ફીડ કરી દીધું હતું, જેથી લોકો તેનો સંપર્ક કરીને ઓરિજિનલ સોફ્ટવેર ખરીદે અને તેનાં પૈસા ચૂકવે. ઉપરાંત પોતાના કમ્પ્યૂટરમાંથી વાયરસને હટાવી શકે. અલ્વી બ્ર્ધર્સનો આ ફોમ્ર્યૂલા એકદમ સક્સેસફુલ રહ્યો હતો. તેમની પાસે વાયરસથી છુટકારો મેળવવા માટે અનેક લોકો આવવા માંડ્યાં હતાં. જાેકે, પછી આ કહાનીમાં એક ટ્વીસ્ટ આવ્યો હતો! અલ્વી ભાઈઓને હવે લોકો વિદેશથી પણ સંપર્ક કરવા લાગ્યાં હતાં. લોકો કહેવા લાગ્યાં હતાં કે, તમે બનાવેલો વાયરસ અમારાં કમ્યૂટરમાં ઘૂસી ગયો છે, તેને ઠીક કરો. આ ઘટનાને વિશ્વમાં કમ્પ્યૂટર પર થયેલો પહેલો વાયરસ અટેક ગણવામાં આવ્યો હતો.
અહીંથી થઈ હતી જ્હોન મૈકાફીની એન્ટ્રી. જ્હોન જન્મ્યો હતો સ્કોટલેન્ડમાં. તેનાં માતા-પિતા પાછળથી તેને અમેરિકા લઈ આવ્યાં હતાં. પિતા જલ્લાદ હતા. ખુબ શરાબ પીતાં હતાં. હંમેશાં નાખુશ રહેતાં હતાં. જ્હોન અને તેની માતાને બેરહેમીથી મારતાં હતાં. જ્હોન ૧૫ વર્ષનો હતો જ્યારે તેનાં પિતાએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ હાદસા પછી જીવન આગળ ચાલતું રહ્યું હતું. જ્હોન ભણવામાં સ્કોલર હતો. કોલેજ સુધી પહોંચી ગયો હતો. જ્હોને બીએ વિથ મેથેમેટિક્સના કોર્સમાં એડમિશન મેળવવું હતું. આ માટે પૈસાની જરૂર હતી. જ્હોન ઘરે ઘરે જઈને લોકોને ઊલ્લું બનાવતો કે - તમને લોટરી લાગી છે, કોઈને કહેતો તમે ફ્રી મેગેઝિનનું સબસ્ક્રિપ્શન જીત્યા છો, તમારે ફક્ટ શિપિંગનો ખર્ચ આપવાનો છે વગેરે વગરે બહાના બનાવી જ્હોન કમાણી કરવા લાગ્યો હતો. આ બધામાં જ્હોન એટલું કમાયો કે, કોલેજની ફી તો ભરાઈ ગઈ સાથે શરાબ પીવાના પૈસા પણ મળી ગયાં હતાં. ગ્રેજ્યૂએશન પૂરું કરી લીધું, પણ એક સેક્સસ્કેમમાં ફસાઈ જતાં પીએચડીમાં એડમિશન મળ્યું ન હતું. જ્હોને નાની-મોટી નોકરી શોધી લીધી, પણ ગાંજાે વેચતા ઝડપાઈ જતાં નોકરીથી પણ હાથ ધોવા પડ્યાં હતાં.
જ્હોનની એક ખાસિયત હતી. તે એકદમ આત્મવિશ્વાસ સાથે ખોટું બોલી લેતો હતો. આવાં જ આત્મવિશ્વાસ સાથે તેણે ખોટો બાયોડેટા તૈયાર કર્યો હતો. રેલવે માટે કામ કરતી એક કંપનીમાં નોકરી પણ મળી ગઈ હતી. આ દરમિયાન જ્હોનને ડ્રગ્સની આદત લાગી ગઈ હતી અને તેનાં કારણે આ નોકરી પણ છૂટી ગઈ હતી. બીજી તરફ લગ્નજીવન પણ તૂટી ગયું. એકાદ-બે મિત્રો હતાં, તેઓએ પણ હવે જ્હોનથી દૂરી બનાવી લીધી હતી. ખરાબ પીરિયડ ચાલતો હતો. તેને આત્મહત્યા કરવાના વિચારો આવતાં હતાં. આ દરમિયાન તેને કોઈએ મનોચિકિત્સકની સલાહ લેવાનું કહ્યું અને ધીમે ધીમે ફરી જિંદગી પાટા પર ચડી હતી. દરમિયાન એક ટેક કંપનીમાં જ્હોનને જાેબ મળી ગઈ હતી. (ક્રમશઃ)