ગાંધીનગર, આજે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા સભ્યોની આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં ગાંધીનગરના પ્રથમ નાગરિક એટલે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યોના નામની જાહેરાત કરાઈ હતી. મેયર પદની નિમણૂકમાં ભાજપ સગાવાદથી દૂર છે તેવા દાવાઓ આજે ખોટા ઠર્યા હતા. ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણાને મેયર બનાવીને ભાજપ સગાવાદથી દૂર છે તેવા દાવાઓને ખોટા ઠેરવ્યા હતા.ગાંધીનગર મનપાની ત્રીજી ટર્મ માટેની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી સાથે ૪૪ માંથી ૪૧ બેઠકો મળી હતી. આ નવા ચૂંટાયેલા નગરસેવકોની આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જાે કે, મેયર પદ માટે બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી મતદાન કરવામાં આવ્યું હતું. મેયર પદ માટે ભાજપ તરફથી હિતેશ પૂનમભાઈ મકવાણાએ ફોર્મ ભર્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીના એક માત્ર સભ્ય તુષાર પરીખે કોંગ્રેસનાં અંકિત બારોટના સમર્થન સાથે ફોર્મ ભર્યું હતું. જાે કે આમ આદમી પાર્ટીના સભ્ય તુષાર પરિખ દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં ન આવતા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર હિતેશ પૂનમભાઈ મકવાણાનો ૪૧ વિરુદ્ધ ત્રણ મતથી એટલે કે બહુમતીથી વિજય થયો હતો.ડેપ્યુટી મેયર તરીકે ભાજપના પ્રેમલસિંહ ગોલની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જશવંત પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે.ગાંધીનગરના નગરજનોને નવા મેયર મળ્યા છે. બહુમતીથી ભાજપના હિતેશ મકવાણા ગાંધીનગરના નવા મેયર બન્યા છે. વોર્ડ નં.૮ ના વિજેતા ઉમેદવાર અને નવા મેયર હિતેશ મકવાણા દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર છે. જ્યારે ગુજરાતી ફિલ્મના જાણીતાં અભિનેત્રી રોમા માણેકનાં પતિ છે.

કોંગ્રેસને ભાંડતા ભાજપે જ સગાવાદ ચલાવ્યો

ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઈ છે. ત્યારે આ વખતે અનુસૂચિત જાતિ માટે મેયર પદ અનામત હતું. અગાઉથી ભાજપમાં હિતેશ મકવાણા અને ભરત દીક્ષિત બંને મેયર પદ માટેના પ્રબળ ઉમેદવારો ગણાતા હતા. જાે કે પક્ષ દ્વારા છેલ્લે હિતેશ મકવાણા અને ભરત દિક્ષિતનાં નામમાંથી પક્ષના મોવડીમંડળે સગાવાદ ચલાવીને પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાનાં પુત્ર હિતેશ મકવાણાનાં નામ ઉપર મંજૂરીની મહોર મારી હતી.

પેનલમાં સૌથી ઓછા મત મેળવનારને મેયરપદ

ગાંધીનગર વોર્ડ નંબર ૮ માંથી ચૂંટાયેલા હિતેશ પૂનમભાઈ મકવાણા પાટનગરનાં પ્રથમ નાગરિક બન્યા છે. પોતાના વોર્ડમાં પક્ષની પેનલમાં સૌથી ઓછા મતોથી હિતેશ મકવાણા વિજેતા બન્યા હતા. પરંતુ પક્ષનાં મોવડીમંડળ દ્વારા આ બાબતને નજરઅંદાજ કરીને હિતેશ મકવાણાને મેયર બનાવાયા છે.

સૌથી વધુ મત મેળવનાર ડેપ્યુટી મેયર બન્યા

ગાંધીનગર મહાપાલિકાનાં ડેપ્યુટી મેયર બનનાર પ્રેમલસિંહ ગોલ તેમના વોર્ડમાં પક્ષની પેનલનાં ચાર સભ્યોમાંથી સૌથી વધુ મતો મેળવીને વિજેતા બન્યા હતા. જે બદલ તેમને ડેપ્યુટી મેયરનાં પદથી નવાજવામાં આવ્યા છે.