હોળી-ધૂળેટીની તારીખ અંગે મોટી ગૂંચવણ, જાણો ક્યારે થશે હોલિકા દહન અને શું છે ગ્રહણનું વિઘ્ન?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ફેબ્રુઆરી 2026  |   35244

વર્ષ 2026 માં હોળી અને ધૂળેટીના પર્વને લઈને જ્યોતિષીઓ અને પંચાંગોમાં તારીખોની ગૂંચવણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે હોલિકા દહન ફાગણ સુદ પૂનમના દિવસે થતું હોય છે, પરંતુ આ વર્ષે પૂનમની તિથિ, ભદ્રાકાળ અને વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણને કારણે તહેવારની ઉજવણીના સમયમાં મોટો ફેરફાર જોવા મળશે.


કેમ સર્જાઈ છે તારીખમાં દ્વિધા?

પંચાંગ મુજબ, ફાગણ પૂનમની તિથિ 2 માર્ચ, 2026 ના રોજ સાંજે 5:55 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 3 માર્ચ ના રોજ સાંજે 5:07 વાગ્યા સુધી રહેશે. જોકે, આ દરમિયાન બે મુખ્ય વિઘ્નો છે.


 ભદ્રાકાળ: 2 માર્ચના રોજ પૂનમની શરૂઆત સાથે જ ભદ્રાકાળ પણ બેસી રહ્યો છે, જે શાસ્ત્રો મુજબ હોલિકા દહન માટે અશુભ માનવામાં આવે છે.

 ચંદ્રગ્રહણ:
3 માર્ચના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થનાર છે. ગ્રહણના 9 કલાક પૂર્વે સૂતકકાળ શરૂ થઈ જતો હોવાથી તે દિવસે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવી અશુભ મનાય છે.


હોલિકા દહનનો સાચો સમય કયો?

શાસ્ત્રોક્ત ગણતરી મુજબ, ભદ્રાના મુખકાળને ત્યાગીને પૂંછકાળમાં દહન કરવું હિતાવહ છે. તેથી, મોટાભાગના વિદ્વાનો મુજબ:

હોલિકા દહન:
2 માર્ચની મધ્યરાત્રિ બાદ (એટલે કે 3 માર્ચની વહેલી સવારે) 12:50 થી 02:02 વાગ્યા દરમિયાન કરવું શાસ્ત્ર સંમત રહેશે. કેટલાક પંચાંગો મુજબ 3 માર્ચની સાંજે ગ્રહણની સમાપ્તિ બાદ પણ હોલિકા દહન કરવામાં આવશે.


રંગોની હોળી (ધૂળેટી) ક્યારે?

ચંદ્રગ્રહણ અને સૂતકકાળની અસરોને કારણે 3 માર્ચના રોજ રંગોત્સવ મનાવવામાં આવશે નહીં. સમગ્ર દેશમાં મોટાભાગના સ્થળોએ ધૂળેટીની ઉજવણી 4 માર્ચ, 2026 (બુધવાર) ના રોજ કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution