પત્નીને તરછોડી જર્મની રહેતા પતિને માસિક ૨૫ હજાર ભરણપોષણ ચુકવવા હુકમ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026  |   2376

વિદેશ સ્થાયી થઈને પત્નીને ભારતમાં નિરાધાર હાલતમાં છોડી જતા એનઆરઆઈ પતિને શબક શીખવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જર્મનીમાં રહેતા પતિએ સુરતમાં રહેતી પત્નીને માસિક રૂા.૨૫ હજાર ભરણપોષણ ચુકવવાનો ફેમિલી કોર્ટે હુકમ કર્યો છે. દીકરીને વિદેશ મોકલવાની ઘેલછાનો છેદ ઉડાડતાં આ કેસની વિગત એવી છે કે, શહેરનાં વેડરોડ વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલેલ છે)ના વર્ષ-૨૦૧૫ માં સુરતના અડાજણના વતની અને હાલ બર્લીન (જર્મની) માં સ્થાયી થયેલા રાહુલ (નામ બદલેલ છે) સાથે લગ્ન થયાં હતાં. વિદેશ સ્થાયી થવાના સપનાઓ બતાવી રાહુલના પરિવારે સીમાનાં લગ્ન કરાવ્યાં હતાં. જો કે ૨ વર્ષ વિદેશ (જર્મની)માં રાખ્યા બાદ રાહુલે સીમાને તરછોડી દીધી હતી. જેથી તેણીએ અત્રેની ફેમીલી કોર્ટમાં એડવોકેટ અશ્વિન જે.જોગડિયા મારફતે ભરણપોષણ મેળવવા કેસ કર્યો હતો. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, શરૂઆતમાં પતિ લગ્ન કરીને વિદેશ જતો રહ્યો હતો. જ્યારે તેણીને સાસુ-સસરા સાથે અડાજણમાં રાખવામાં હતી. ત્યારબાદ વર્ષ-૨૦૧૬ ના અંતમાં પતિ તેણીને જર્મની લઈ ગયો હતો. જ્યાં પતિ મોડી રાત્રે પાર્ટી કરીને ઘરે આવતો તથા વાપરવા પૈસા પણ આપતો ન હતો અને પૈસા માંગે કે કોઈ ફરિયાદ કરે તો ભારત મોકલી આપવાની ધમકી આપતો હતો. દરમિયાન સીમાએ ફેમિલી કોર્ટમાં કેસ કરતાં પતિ એક પણ વખત કોર્ટમાં હાજર રહ્યો ન હતો, અને સમગ્ર કેસ એક તરફી ચાલીને પુરો થયો હતો. પત્ની દ્વારા પતિના દસ વર્ષના ભારતનાં ઈન્કમટેક્ષ પેપર્સ અને પાસપોર્ટ સહિતની વિગત કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. બીજી બાજુ પતિએ પત્નીની સામે જર્મનીમાં છુટાછેડાનો કેસ કર્યો હતો અને તેની નોટિસ પત્નીને મોકલી હતી. જે નકલ પણ ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે પુરાવાઓ માન્ય રાખી પતિને માસિક રૂા.૨૫૦૦૦ ભરણ પોષણ પત્નીને ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો. વધુમાં એડવોકેટ જોગડિયાની રજૂઆત ધ્યાને લઈને કોર્ટે ટાંક્યું હતું કે "સામાવાળા જર્મની, બલિર્નમાં કમાણી કરે છે અને જર્મનીની કરન્સી એક યુરોની ભારતીય ચલણ મુજબ ૧૧૦ રૂપિયા જેટલી થાય. જે ધ્યાને લેતા સામાવાળા ભારતીય ચલણ મુજબ ઓછામાં ઓછી માસિક રૂા. ૧ લાખથી વધુની કમાણી કરવા સમર્થ હોવાનુ સ્પષ્ટ રીતે સ્વીકારી શકાય તેવા સંજોગો છે." આ ચુકાદો પત્નીને તરછોડી દેતા અને વિદેશમાં રહેતા પતિઓ માટે લાલબત્તી સમાન હોવાનુ અરજદારનાં વકીલે જણાવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution