આઇબીવી ફાયનાન્સનાં સંચાલકોએ વૃદ્ધનાં ૯૦૦ ગ્રામ સોનાનાં દાગીના વગે કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   સુરત   |   2178

સુરત, તા.૨૮

કરોડ રૂપિયામાં ઉઠમણું કરનાર ગોલ્ડ લોન આપતી વરાછાની આઇબીવી ફાયનાન્સ કંપની સામે વધું એક પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. સરથાણાનાં વૃદ્ધ પાસે લોન સામે લીધેલા ૯૦૦ ગ્રામ સોનાનાં દાગીના આ કંપનીનાં સંચાલકોએ અન્ય બેંકમાં મોર્ગેજ કરી વધું રૂપિયા ઉસેટી લીધા હતાં. પોતાના દાગીના પરત લેવા ગયેલા વૃદ્ધને સંચાલકોએ ધરમ ધક્કા ખવડાવતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ જય ભવાની સોસાયટીમાં ૬૪ વર્ષીય હિંમતભાઈ ધરમશીભાઈ ગોયાણી તેમના પરિવાર સાથે રહે છે. મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વતની ગોયાણીએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં આઇબીવી ફાયનાન્સ કંપનીના રાકેશભાઈ ધીરુભાઈ ગોયાણી તુષાર ધીરુભાઈ ભીમાણી અને ધીરુભાઈ ખોડાભાઈ ભીમાણી (રહે નીલકંઠ હાઇટ્સ, સરથાણા જકાતનાકા) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં તેમને પૈસાની જરૂર પડી હતી. એ સમયે પરિચિત વ્યક્તિનાં રેફરન્સથી તેઓ યોગીચોક ખાતે આવેલ શ્રી હરિ શોપિંગમાં પહેલા માળ પર આવેલ આઈ.બી.વી ફાઇનાન્સ ભાગીદારી પેઢીમાં ગયા હતાં. જ્યાં ગોયાણી અને ભીમાણીએ હિંમતભાઈને સોનાના ઘરેણાં સામે લોન પેટે પૈસા આપવાની વાત કરી હતી. ધીરે ધીરે લોન ભરપાઇ કરી દાગીના છોડાવી જજાે એવી વાતમાં હિંમતભાઇ ગયા હતાં. હિંમતભાઈની અલગ અલગ ૧૪૭ ગ્રામ સોનાનાં દાગીના તથા ૩૭.૩૩ ગ્રામનો સોનાનો ચેઈન તથા તેમના પરિવારના સભ્યોના ૮૬૪.૧૨ ગ્રામ સોનાના દાગીનાસ આવીબી ફાયનાન્સમાં જમા કરાવ્યા અને તેની સામે લોન લીધી હતી.

જાેકે બાદમાં રાકેશ, તુષાર અને ધીરુભાઈએ ભેગા મળી હિંમતભાઈ અને તેના પરિવારના દાગીના અન્ય બેંકમાં મૂકી તેમના પર ગોલ્ડ લોન લઈ છેતરપિંડી કરી હતી. જેથી આખરે બાદમાં હિંમતભાઈને જાણ થતા તેઓએ દાગીનાની પરત માંગણી કરી હતી પરંતુ ત્રણેય વ્યક્તિઓએ ભેગા મળી દાગીના પરત નહીં આપી માત્ર ગલ્લાં ગલ્લાં કરી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર વૃદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution