16, સપ્ટેમ્બર 2025
1287 |
પ્રયાગરાજ,યુપી સરકારે રખડતા કૂતરાઓને લઈને મોટો નિર્દેશ આપ્યો છે. જેમાં, જાે કોઈ રખડતા કૂતરા લોકોને બે વાર કરડે છે, તો આજીવન કેદની સજા ફટકારાશે.
કૂતરા કરડવાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ જાહેર કર્યો છે. શહેરી વિકાસના મુખ્ય સચિવ અમૃત અભિજાત દ્વારા જાહેર કરાયેલા આદેશમાં, આક્રમક અને હિંસક કૂતરાઓ માટે અનોખી સજાની જાેગવાઈ કરાઇ છે. આદેશ મુજબ, જાે કોઈ કૂતરો પહેલી વાર કોઈ વ્યક્તિને કરડે છે, તો ૧૦ દિવસની સજા થશે. દરમિયાન, કરડનાર કૂતરાને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં રખાશે. પરંતુ જાે તે જ કૂતરો બીજી વાર કોઈને કરડે છે, તો ત્રણ સભ્યોની ટીમ તેની તપાસ કરશે. જે ટીમમાં પશુધન અધિકારી, સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિ અને એસપીસીએના સભ્યો હશે. ટીમ તપાસમાં શોધશે કે, શું કૂતરોના હુમલો કરવા માટે ઉશ્કેરવામાં તો નથી આવ્યો ને? જાે કૂતરાને હુમલો કરવા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા નહીં મળે, તો તેને આજીવન એબીસી સેન્ટરમાં રખાશે એટલે કે, આજીવન કેદની સજા ફટકારાશે. આજીવન કેદની સજા પામેલા કૂતરાને ત્યારે જ મુક્ત કરાશે, જ્યારે કોઈ વ્યક્તિ તેને સત્તાવાર રીતે દત્તક લેશે.
આ માટે, પીડિતને સરકારી હોસ્પિટલમાં સારવારનું પ્રમાણપત્ર આપવું પડશે. માહિતી મળતાં જ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પશુધન વિભાગની ટીમ કરડતા કૂતરાને એબીસી સેન્ટર પર લઈ જશે. સારવારની સાથે, કૂતરાને સેન્ટરમાં નિરીક્ષણ હેઠળ રખાશે. ૧૦ દિવસ પછી સેન્ટરમાંથી મુક્ત કરાય તે પહેલાં, કૂતરાના શરીર પર એક માઇક્રોચિપ ઇમ્પ્લાન્ટ કરાશે. જેના દ્વારા કૂતરાના વર્તનનું નિરીક્ષણ કરાશે. સેન્ટરમાં કૂતરાઓને હડકવા વિરોધી રસી અપાશે, તેમજ તેની પ્રવૃતિ પર નજર રખાશે.