લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026 |
વડોદરા |
1980
વડોદરા શહેર, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ, ત્યાં અત્યારે જે દ્રશ્યો જાેવા મળી રહ્યા છે તે સંસ્કારિતા નહીં પણ ‘સત્તાની ર્નિલજ્જતા’ના દર્શન કરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, આચારસંહિતાનો અમલ ચાલુ છે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ના તંત્ર માટે આ આચારસંહિતા માત્ર જનતાના કામો રોકવા માટેનું એક બહાનું બની ગઈ છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાની ગલીના ખાડા, ગંદા પાણી કે ઉભરાતી ગટરની ફરિયાદ લઈને જાય છે, ત્યારે તંત્ર ‘આચારસંહિતા નડે છે’ કહીને તેને મોઢા પર જવાબ આપી દે છે. પરંતુ, શું આ આચારસંહિતા મેયર અને ડેપ્યુટી મેયરની આલીશાન ચેમ્બરોના રંગરોગાન માટે નથી નડતી?
ગુજરાત રાજ્યની જનતા જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, તે નાણાંનો ઉપયોગ અત્યારે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાના સિંહાસનોને ચમકાવવા માટે થઈ રહ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરોથી લઈને સભાખંડ સુધી જે રીતે ફર્નિચર રિપેરિંગ અને પેઇન્ટિંગનું ‘યુદ્ધના ધોરણે’ કામ ચાલી રહ્યું છે, તે જાેઈને સવાલ થાય છે કે શું આ કોર્પોરેશન છે કે કોઈ નેતાના ઘરનો પ્રસંગ? જે ઝડપ અત્યારે સભાખંડને ‘લવિંગિયા’ જેવો લુક આપવામાં બતાવવામાં આવી રહી છે, જાે તેની દસ ટકા ઝડપ પણ શહેરના ફતેગંજ, કારેલીબાગ, રાવપુરા, અલકાપુરી કે માંજલપુરના રસ્તાઓ ઠીક કરવામાં બતાવી હોત, તો આજે જનતાએ આક્રોશ ન ઠાલવવો પડત.
તંત્રની બેવડી નીતિ જુઓ, નવા રસ્તા બનાવવા હોય, પાણીની લાઈન નાખવી હોય કે સ્ટ્રીટ લાઈટ રિપેર કરવી હોય તો આચારસંહિતાનો કાયદો વચમાં આવે છે. પણ જ્યારે નવી ચૂંટાનારી બોડીના સ્વાગત માટે લાલ જાજમ બિછાવવાની હોય અને એર-કન્ડિશન્ડ ચેમ્બરોને ચકચકાટ કરવાની હોય, ત્યારે કોઈ કાયદો નડતો નથી. આને જ કહેવાય ‘લોકોને ઉલ્લૂ બનાવવાની કળા’. વડોદરા તંત્ર અત્યારે એવા બાપની ભૂમિકા ભજવી રહ્યું છે જેની પાસે દીકરીના લગ્નની તૈયારી માટે તો લાખો રૂપિયા છે, પણ આખા વર્ષ દરમિયાન ઘરના રાશન માટે પૈસા નહોતા.
કોણ મેયર બનશે અને કોણ સત્તા પર બેસશે તે તો મતપેટીઓ નક્કી કરશે, પણ તંત્રએ તો ‘વર વગર જાન’ જાેડી દીધી છે. જનતા પૂછી રહી છે કે-
શું નવી ચેમ્બરોમાં બેસવાથી વડોદરાના દૂષિત પાણીની સમસ્યા ઉકેલાઈ જશે?
શું મોંઘા ફર્નિચર પર બેસનારા નેતાઓ રસ્તા પરના જીવલેણ ખાડાઓ જાેઈ શકશે?
શું રંગરોગાન કરેલી દીવાલોની પાછળ જનતાની ચીસો દબાઈ જશે?
વડોદરા મહાનગર પાલિકાનું આ વલણ અત્યંત નિંદનીય છે. એક તરફ શહેર સ્માર્ટ સિટીના નામે માત્ર કાગળ પર ચમકી રહ્યું છે અને બીજી તરફ વાસ્તવિકતામાં ગટર અને ગંદકીના ગંજ છે. જનતાના ટેક્સના નાણાં આ રીતે ધુમાડો કરવા માટે નથી.સત્તાના નશામાં ચૂર નેતાઓ અને તેમના ઈશારે નાચતું તંત્ર એ ભૂલી ગયું છે કે આ આલીશાન ચેમ્બરો જનતાની ભીખ નથી, પણ જનતાની સેવા માટેની અમાનત છે. જાે નવી બોડીના સ્વાગત માટે આટલો ઉત્સાહ હોય, તો ચૂંટાયા પછી પ્રજાનાં કામો માટે આનાથી બમણો ઉત્સાહ હોવો જાેઈએ. વડોદરાના નાગરિકોએ હવે સવાલ પૂછવાની જરૂર છે- જાે અમારી ગલીનો રસ્તો આચારસંહિતામાં નથી બનતો, તો તમારી ચેમ્બરની દીવાલ પર રંગ કેમ ચડે છે?
તંત્રના આ ભ્રષ્ટ અને પક્ષપાતી વલણના કપડાં અત્યારે વડોદરાની શેરીઓમાં ઉતરી રહ્યા છે. જાે દીવાલો જ ચમકાવવી હોય તો ઓફિસની નહીં, જનતાના જીવનની ચમકાવો.
બાકી આ ‘ચકચકાટ’ ચૂંટણીના પરિણામો પછી ફીકો પડી જશે એ નક્કી છે. જનતાના ખિસ્સા ખાલી કરીને નેતાઓના ઠાઠ વધારતા તંત્રને શરમ આવવી જાેઈએ. આચારસંહિતા નિયમ છે, અન્યાય કરવાનું લાયસન્સ નથી!