‘બન કે ઈક હાદસા બાજાર મૈં આ જાયેગા...જાે નહીં હોગા વો અખબાર મૈં આ જાયેગા..’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026  |   વડોદરા   |   2178

છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં અફવાનું બજાર ગરમ છે. ગેસ સિલિન્ડરની અછતની અફવા હોય કે, પછી પેટ્રોલ-ડિઝલની તંગીની હોય..!! વડોદરામાં અફવા દાવાનળની જેમ ફેલાઈ રહી છે. અને લોકો કારણ વિના લાઈનોમાં લાગી રહ્યા છે. છેલ્લા એક પખવાડિયામાં વડોદરામાં બે મોટી અફવાઓ ખુબ જ ઝડપથી ફેલાઈ હતી. જેમાં ગેસ સિલિન્ડરની અછતની અફવાએ એટલો ભડકો કર્યો હતો કે, લોકો કાળઝાળ ગરમીમાં કામધંધો છોડીને ગેસ એજન્સીની લાઈનમાં ઉભા રહી ગયા હતા. આ અફવા એટલી મજબૂત રીતે ફેલાઈ હતી કે, લોકો સરકારી અધિકારીઓની વાત સાંભળવા કે, સમજવા તૈયાર ન હતા. તેઓ દ્રઢપણે માનવા લાગ્યા હતા કે, ગેસ સિલિન્ડર વિના તેમના ઘરના ચુલા ઠંડા પડી જશે. તેમના પરિવારોને ભોજન માટે વલખા મારવા પડશે. શહેરના હોટલ અને રેસ્ટોરાંના માલિકો પણ એવુ માનવા લાગ્યા હતા કે, ગેસ સિલિન્ડર નહીં મળે તો તેમના ધંધાને તાળા વાગી જશે. આ અફવા ખોટી સાબિત થાય તે પહેલા શહેરમાં પેટ્રોલ-ડિઝલની અછતની બીજી અફવા ફેલાઈ હતી. જેને લીધે શહેરના દરેક પેટ્રોલપંપો પર વાહનોની રીતસરની લાઈનો ખડકાઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી સ્ફોટક હતી કે, પેટ્રોલપંપો પર રીતસરની અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પુરવઠા વિભાગની સાથેસાથે પોલીસ વિભાગે પણ મેદાનમાં ઉતરવું પડ્યુ હતુ. પોલીસે કેટલાક પેટ્રોલપંપો પર બંદોબસ્ત ગોઠવ્યો હતો. તો કેટલાક સ્થળોએ એનાઉન્સમેન્ટ કરીને લોકોને અફવાથી દોરાવવુ નહીં તેવો સંદેશો આપવો પડ્યો હતો. ‘સાઈકોલોજી ઓફ રુમરમાં સ્પષ્ટ દર્શાવાયુ છે કે, જે શહેરની પ્રજામાં રસ ઉડી ગયો હોય...લોકો કંટાળો કે અકળામણ અનુભવતા હોય.. તેવા શહેરમાં ખુબ જ ઝડપથી અફવા ફેલાઈ શકે છે. વડોદરામાં પણ કંઈક એવું જ બન્યુ છે. શહેરની પ્રજામાં પહેલા જેવો જુસ્સો રહ્યો નથી. અને એટલે જ જાતજાતની અફવા ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, જે વાતમાં સત્યનું પ્રમાણ ખુબ ઓછું હોય તેવી ખોટી વાતોમાં પણ શહેરીજનો ભરપુર ભરોસો રાખી રહ્યા છે. હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, વડોદરામાં અફવા ફેલાવે છે કોણ ? શહેરમાં અફવા ફેલાવવામાં કોને રસ છે ? વડોદરા શહેરને અફવાની પ્રયોગશાળા બનાવવામાં ઈન્ટરેસ્ટ કોને છે ? તેનો ખુલાસો થવો જરુરી છે. રોજેરોજ નવીનવી અફવા ફેલાવીને શહેરની શાંતિમાં પલિતો ચાંપનારા તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જાેઈએ. પહેલાના જમાનામાં પોલીસનું હ્યુમન ઈન્ટેલિજન્સ અફવાઓના મૂળને શોધવામાં મદદ કરતુ હતુ. આ વખતે પણ પોલીસે બાતમીદારોને સક્રિય કરીને અફવાઓ ફેલાવતા તત્વોને પકડવા જાેઈએ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution